હવે પાકિસ્તાન સાથે વાતચીત થશે તો માત્ર PoK પર જ!:લદ્દાખમાં કારગિલ મેમોરિયલથી રક્ષા મંત્રીની ચીમકી

કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત ઇનોવેશનના રસ્તા શોધી રહ્યું છે તો પાકિસ્તાન ઘૂસણખોરીના રસ્તા શોધી રહ્યું છે. ભારત શિપ ડિઝાઇન કરી રહ્યું છે તો પાકિસ્તાન ટેરર ડિઝાઇનિંગમાં વ્યસ્ત છે. ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભું કરી રહ્યું છે તો પાકિસ્તાન ટેરર ઇકોસિસ્ટમ ઊભું કરી રહ્યું છે. ભારત સેમિકન્ડક્ટર બનાવી રહ્યું છે તો પાકિસ્તાન સુસાઇડ બોમ્બર્સ તૈયાર કરી રહ્યું છે.
ભારત સ્પેસ મિશન માટે જાણીતું છે તો પાકિસ્તાન પ્રોક્સી મિશન ચલાવી રહ્યું છે. ભારત અંતરિક્ષમાં સેટેલાઇટ મોકલી રહ્યું છે તો પાકિસ્તાન આજે પણ આતંકવાદીઓને સરહદ પાર મોકલવાનું કામ કરી રહ્યું છે.
ભારત દુનિયાને સોફ્ટવેર આપી રહ્યું છે તો પાકિસ્તાન દુનિયાને સ્લીપર સેલ આપી રહ્યું છે. ભારત ડેટા સેન્ટર બનાવી રહ્યું છે તો પાકિસ્તાન રેડિકલ સેન્ટર બનાવી રહ્યું છે. ભારત AIથી દુનિયાને જોડી રહ્યું છે તો પાકિસ્તાન હવાલાથી આતંકવાદ જોડી રહ્યું છે.
સ્પષ્ટ છે કે આપણા રસ્તા અલગ-અલગ છે. આવી સ્થિતિમાં, જો પાકિસ્તાન તેના નીચ ઇરાદાઓ સાથે આપણી સમૃદ્ધિના માર્ગમાં અવરોધો ઊભા કરે છે, તો તેને જડબાતોડ જવાબ આપવા માટે આપણી સેનાઓ તૈયાર બેઠી છે. આ પહેલા રક્ષા મંત્રીએ લદ્દાખના દ્રાસ સ્થિત કારગિલ વોર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
ભારતનો ઇરાદો સંપૂર્ણપણે સ્પષ્ટ છે. પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે નહીં. જો વાતચીત થશે પણ, તો તે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર જ થશે, જે ભારતનો અભિન્ન અંગ છે અને જેના પર પાકિસ્તાને ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો છે.
કારગિલ વોર મેમોરિયલમાં આખું ભારત દેખાય છે. અહીં શહીદોમાં હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, તમિલનાડુ સહિત દેશના દરેક ભાગના જવાનોના નામ નોંધાયેલા છે.
શહીદોમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ જનારા તમામ ધર્મના લોકો શામેલ છે. જે લોકો દેશને વહેંચવાનું સપનું જુએ છે, તેમણે આ સ્મારકની દીવાલ જોવી જોઈએ. આ દીવાલ જ ભારતને વહેંચવાની તેમની વિચારસરણીનો સૌથી મોટો જવાબ છે.