IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ લલિત મોદી 16 વર્ષ પછી ભારત પરત ફરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના પ્રથમ ચેરમેન લલિત મોદીને 2009 આઈપીએલ-સાઉથ આફ્રિકા FEMA મામલામાં મોટી કાયદાકીય રાહત મળી છે. SAFEMA (Smugglers and Foreign Exchange Manipulators-Forfeiture of Property-Act) નીએપેલેટ ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મોટા ભાગના નિષ્કર્ષો અને લગાવવામાં આવેલા દંડને રદ્દ કર્યાં છે. નિર્ણય બાદ લલિત મોદીએ કહ્યુ કે 16 વર્ષથી જે સત્યની વાત સતત તેઓ કરતા રહ્યાં, હવે તેના પર અદાલતની મહોર લાગી છે.
નિર્ણય બાદ લલિત મોદીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું- હું આ નિર્ણયથી ખુશ છું. કાલનો દિવસ મારા માટે શાનદાર રહ્યો. છેલ્લા 16 વર્ષથી હું આ લડાઈ લડી રહ્યો હતો. મીડિયા અને બધા લોકોને હું જે કહતો હતો, તે આખરે સત્ય સાબિત થયું. મને ખુશી છે કે ટ્રિબ્યુનલે મારા પક્ષમાં ચુકાદો આપ્યો.
તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય હંમેશા આઈપીએલનું હિત રહ્યો. મારી ચિંતા માત્ર આઈપીએલની ભલાઈને લઈને હતી. મારા માટે તેનાથી વધુને કંઈ નહોતું. હવે તે અધ્યાય ખતમ થઈ ગયો છે અને હું મારા જીવનમાં આગળ વધવા ઈચ્છુ છું.
ભારત વાપસી પર લલિત મોદીએ કહ્યુ કે હવે તેઓ દેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું ‘હું આ વર્,ના અંત કે પછી આગામી વર્ષની શરૂઆતમાં ભારત પરત ફરવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. ઓક્ટોબરમાં મારી દીકરી માતા બનવાની છે અને હું નાના બનવાનો છું. આશા છે કે બધુ બરાબર રહ્યું તો ત્યારબાદ હું ભારત પરત ફરીશ.’
હકીકતમાં SAFEMA ની એપેલેટ ટ્રિબ્યુનલેએ 2009મા આઈપીએલની બીજી સિઝનને સાઉથ આફ્રિકામાં આયોજીત કરવા સાથે જોડાયેલા FEMA મામલામાં લલિત મોદી અને અન્ય અપીલકર્તાને મોટી રાહત આપી છે. ટ્રિબ્યુનલે ઈડીના મોટા ભાગના નિષ્કર્ષો અને લગાવવામાં આવેલા દંડને રદ્દ કરી દીધા. આ મામલો લાંબા સમયથી કાયદાકીય પ્રક્રિયામાં હતો અને હવે આ ચુકાદો લલિત મોદી માટે મોટી જીત માનવામાં આવી રહ્યો છે.
લલિત મોદી ભારત છોડ્યા બાદ વિદેશમાં રહે છે. તેમના પર નાણાકીય અનિયમિતતા અને FEMA નિયમોના ઉલ્લંઘનના ઘણા આરોપ લાગ્યા હતા. પરંતુ તાજેતરના ચુકાદા બાદ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે તેઓ ભારત પરત ફરી પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરવા ઈચ્છે છે.