દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે રેલવે, રોડ અને એસટી બસ સેવામાં મોટો વિક્ષેપ સર્જાયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને રસ્તાઓ ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ બન્યો છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર વલસાડ, વાપી અને નવસારી વચ્ચે અનેક ટ્રેનો અટવાઈ ગઈ છે. કેટલીક ટ્રેનો વિલંબથી દોડી રહી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવી દેવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદની અસર રાજ્ય પરિવહન સેવાને પણ પહોંચી છે. વલસાડ અને નવસારી જિલ્લાની અનેક એસટી બસ સેવાઓ રદ કરવામાં આવી છે, જ્યારે અનેક રૂટ પર બસ સેવા અસ્થાયી રીતે બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે કુલ 463 રોડ-રસ્તાઓ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. તેમાં પંચાયત હસ્તકના 456 રસ્તાઓ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.જિલ્લાવાર વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પંચાયત હસ્તકના 276 રસ્તાઓ, નવસારી જિલ્લામાં 132 રસ્તાઓ, વલસાડ જિલ્લાના પાંચ આંતરિક રસ્તાઓ, સુરત જિલ્લાના 12 રસ્તાઓ અને તાપી જિલ્લાના 18 રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી માટે NDRFની 12 અને SDRFની 27 ટીમો, એટલે કે કુલ 39 ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી છે. નવસારી જિલ્લામાં SDRFની 2 ટીમો, વલસાડમાં NDRF અને SDRFની એક-એક ટીમ, સુરત જિલ્લામાં NDRFની 2 અને SDRFની 3 ટીમો, જ્યારે તાપી અને ડાંગ જિલ્લામાં SDRFની એક-એક ટીમ બચાવ અને રાહત કામગીરી માટે સતત કાર્યરત છે.
પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.