આજે અમિત શાહના હસ્તે 4 મલ્ટીસ્ટોરી ટાવરનું ઈ-લોકાર્પણ, 188 પરિવારોને મળશે લાભ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે (12 જુલાઈ) અમદાવાદમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા 188 આધુનિક સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કરશે. અમદાવાદમાં યોજાનારા વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમના ભાગરૂપે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ રૂ. 60.68 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટથી સરકારી સેવાના વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના કુલ 188 અધિકારીઓ અને કર્મચારીઓને પરિવાર સાથે રહેવા માટે આધુનિક અને સુવિધાસભર સરકારી આવાસો ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓને ફરજના સ્થળે જ ઉચ્ચ ગુણવત્તાવાળા રહેઠાણો ઉપલબ્ધ કરાવવાના અભિગમ સાથે કુલ ચાર મલ્ટીસ્ટોરીડ ટાવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ આવાસોમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, ગુણવત્તાસભર બાંધકામ અને જરૂરી રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ કેટેગરીના આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં કક્ષા-‘ઈ’ (E-Category)ના 40 આવાસો, કક્ષા-‘ડી-1’ (D1-Category)ના 52 આવાસો, કક્ષા-‘સી’ (C-Category)ના 52 આવાસો અને કક્ષા-‘બી’ (B-Category)ના 44 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત સરકારી આવાસોનો સીધો લાભ સરકારી સેવાના વિવિધ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને મળશે. તેમાં વર્ગ-1ના 40 અધિકારીઓ, વર્ગ-2ના 104 અધિકારીઓ અને વર્ગ-3ના 44 કર્મચારીઓ સહિત કુલ 188 પરિવારોને આધુનિક સરકારી રહેણાંકની સુવિધા ઉપલબ્ધ થશે.
શાહીબાગ વિસ્તારમાં નિર્માણ કરાયેલા ‘ઈ’ કેટેગરીના રેસિડેન્સી ટાવરમાં અત્યાધુનિક ડ્રોઈંગ રૂમ, ડાઈનિંગ રૂમ, વિશાળ કિચન એરિયા, ઓફિસ રૂમ, આરામદાયક બેડરૂમ અને માસ્ટર બેડરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત વિશાળ બાલ્કની, વોશ એરિયા, સુંદર ગાર્ડન એરિયા તેમજ આધુનિક સીડીઓની રચના કરવામાં આવી છે જેથી રહેવાસીઓને વધુ આરામદાયક વાતાવરણ મળી રહે.