વરસાદી પરિસ્થિતીની સમીક્ષા કરતા CM ભૂપેન્દ્ર પટેલ, આવતીકાલે સુરત-વલસાડની મુલાકાતે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા અંગે માહિતી આપતાં પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત-બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે.આ ઉપરાંત, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે-તે જિલ્લાના સ્થાનિક મંત્રીશ્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટી તંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુ એક મહત્વના વિષય અંગે માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રીએ ગુજરાત માટે એક સુદ્રઢ અને સર્વગ્રાહી ‘EV ચાર્જિંગ સ્ટેશન’ અંગેની પોલિસી તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઈલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે.

રાજ્યમાં સર્જાયેલી ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે દીવાલ કે વૃક્ષ ધરાશાયી થવા તથા વીજળી પડવા જેવા વિવિધ કારણોસર અકાળે મૃત્યુ પામેલા ૧૧ નાગરિકોને મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ દ્વારા ભાવપૂર્ણ શોકાંજલિ અર્પણ કરી હતી. મંત્રીમંડળે આ દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના શોકગ્રસ્ત પરિવારજનો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *