વડોદરાની માંજલપુર બેઠક પર 30 જુલાઈએ મતદાન, જાણો પરિણામ ક્યારે ?

ભારતના ચૂંટણી પંચે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર 6 જુલાઈએ ચૂંટણીની સત્તાવાર નોટિફિકેશન બહાર પડશે, જ્યારે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારીપત્રોની ચકાસણી 14 જુલાઈએ થશે અને ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16 જુલાઈ રહેશે. આ બેઠક માટે 30 જુલાઈએ મતદાન યોજાશે અને 3 ઓગસ્ટે મતગણતરી સાથે પરિણામ જાહેર કરવામાં આવશે.
માંજલપુર વિધાનસભા બેઠક ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલના અવસાન બાદ ખાલી પડી હતી. તેઓ લાંબા સમયથી વડોદરાની રાજનીતિમાં સક્રિય રહ્યા હતા અને સતત અનેક વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમના નિધન બાદ ચૂંટણી પંચે ખાલી પડેલી બેઠક માટે હવે પેટાચૂંટણી જાહેર કરી છે.આ પેટાચૂંટણીને 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારની પસંદગી માટે કવાયત શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં પ્રચાર પણ તેજ બનવાની શક્યતા છે.