ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત, સુરતમાં રસ્તા બેસ્યા અને અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા રાજ્યના અનેક જિલ્લાઓમાં તેની અલગ-અલગ અસર જોવા મળી રહી છે. નર્મદા જિલ્લામાં રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દેડિયાપાડા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, જ્યારે વાવણીલાયક વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં પૂરતો ભેજ મળતા ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે અને ચોમાસાની સારી શરૂઆતથી આશાવાદી બન્યા છે.

બીજી તરફ સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ડીંડોલીથી નવાગામ જતો રસ્તો ફરી એકવાર બેસી ગયો છે. નોંધનીય છે કે 17 જૂને પણ લગભગ 500 મીટર રસ્તો બેસી જતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. ત્યારબાદ તંત્રે માત્ર લીપાપોતી કરીને કામ પૂર્ણ થયું હોવાનું દર્શાવ્યું હતું, પરંતુ હવે ફરી રસ્તો બેસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ડ્રેનેજની પાઇપલાઇન નાખ્યા બાદ યોગ્ય રીતે પુરાણ ન થતાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. રસ્તા પર પડેલા ખાડા અને માટીના ઢગલાને કારણે વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.

સુરત જિલ્લાના બારડોલીમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળભરાવ સર્જાયો છે. પરિશ્રમ પાર્ક અને ધૂળિયા ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો, દુકાનદારો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી લાંબા સમય સુધી રસ્તાઓ પર જમા રહે છે.

બીજી તરફ સુરત શહેરમાં મોટા વરાછા અને ઉધના બાદ હવે ડીંડોલી ચાર રસ્તા પાસે આખો રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે. રસ્તા પર પડેલા ભૂવામાં એક ટ્રક ફસાઈ ગઈ હતી. ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ બેસી જવાની અને ઠેર-ઠેર માત્ર ડામરની લીપાપોતી કરાયાની સ્થિતિ સામે આવતાં લોકોમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી છે. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માળિયા હાટીનામાં છેલ્લા બે કલાકમાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે. માળિયા, ગડોદર અને ખંભાળિયા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ગીર સોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો

બીજી તરફ ગીર સોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવડી અને ઉબરી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે ભારે પવન અને વરસાદને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુરક્ષા માટે ગિરનાર રોપ-વે સેવા તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રએ જણાવ્યું છે કે પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી સેવા શરૂ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી દીધી છે. પ્રથમ વરસાદમાં જ પાટણવાવ રોડ પર મોટો ભૂવો પડી ગયો છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ રસ્તો ખોદ્યા બાદ યોગ્ય પેચવર્ક ન થતાં રસ્તા વચ્ચે ભૂવો પડ્યો હતો. આ ભૂવામાં એક બાઇકચાલક ખાબકતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. લોકોનું કહેવું છે કે તંત્રની બેદરકારીના કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ શરૂ થતાં અનેક જિલ્લાઓમાં રસ્તા બેસવા અને ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *