અમદાવાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 10 કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

ગુજરાત ATSએ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરતાં શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીકથી અંદાજે ₹10 કરોડની કિંમતનો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રામાડોલ નામના પ્રતિબંધિત ડ્રગ્સનો આ જથ્થો ગુજરાતમાં ડિલિવરી માટે લાવવામાં આવી રહ્યો હતો. જોકે, ડિલિવરી થાય તે પહેલાં જ ATSએ બાતમીના આધારે દરોડો પાડી સમગ્ર જથ્થો કબજે કરી લીધો હતો.ATSના અધિકારીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે અને આ ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો તેમજ સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ અથવા વિતરણ ક્યાં થવાનું હતું.
ગુજરાત ATSની આ કાર્યવાહી રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામેની મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં તપાસના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા છે.