‘તારક મહેતા’ ફેમ ‘બાઘા’ના પિતાનું અવસાન:અરવિંદ વેકરિયા ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર હતા

ગુજરાતી નાટક અને સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અને વરિષ્ઠ કલાકાર અરવિંદ વેકરિયાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અરવિંદ વેકરિયાએ માત્ર એક ઉત્કૃષ્ટ એક્ટર જ નહોતા, પરંતુ તેઓ લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બાઘા’નું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા થયેલા એક્ટર તન્મય વેકરિયાના પિતા હતા.

વેકરિયા પરિવાર માટે આ સમય અત્યંત કપરો છે, કારણ કે થોડા સમય પહેલા જ તન્મય વેકરિયાના માતાનું પણ અવસાન થયું હતું. ટૂંકા ગાળામાં જ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવતા એક્ટર અને તેમનો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

તન્મય વેકરિયાના પરિવારમાં તેમના માતા-પિતા ઉપરાંત તેમનો એક નાનો ભાઈ મનવિત વેકરિયા છે, જે હાલ ઓસ્ટ્રેલિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તરીકે સેટલ છે. તન્મયે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બાળપણથી જ ઘરમાં કળાનું વાતાવરણ હતું. જ્યારે તે નાનો હતો ત્યારે પિતા અરવિંદ વેકરિયાને સ્ટેજ પર લાઇવ અભિનય કરતા જોતો હતો. પિતાની એ જ અદાકારી અને રંગમંચ પ્રત્યેનો આદર જોઈને તન્મયને પણ એક્ટિંગ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી હતી.અરવિંદ વેકરિયાએ ગુજરાતી થિયેટર અને ફિલ્મોમાં દાયકાઓ સુધી યોગદાન આપ્યું છે.

તન્મય વેકરિયાના પિતા અમરેલીના વડીયા ગામમાં જન્મેલા અને મુંબઈમાં સ્થાયી થયેલા. અરવિંદ વેકરિયા ગુજરાતી સિનેમા ને થિયેટરના જાણીતા એક્ટર છે. મુંબઈમાં કાંદિવલીમાં મે, 1976માં જન્મેલા તન્મયનો તો હવે અમરેલી સાથે ખાસ સંપર્ક રહ્યો નથી. એક્ટરનો નાનો ભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને 15 વર્ષ દુબઈમાં રહ્યા બાદ છેલ્લાં પાંચેક વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે.

હજુ પાંચ જ દિવસ પહેલા તન્મય વેકારિયા માતાને યાદ કરી સેટ પર ધ્રુસકે ધ્રુસકે રહી પડ્યો, જેના પછી શોનું શૂટિંગ થોડા સમય માટે રોકવું પડ્યું હતું. ઓનસ્ક્રીન ગર્લફ્રેન્ડ બનેલી બાવરી સાથે એક લવ સ્ટોરી સંબંધિત સીન કરી રહ્યો હતો. ડિરેક્ટરે જેવું જ એક્શન બોલ્યું, તન્મય સીન કરવાને બદલે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આવી સ્થિતિમાં શૂટિંગ પણ રોકવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *