ચોમાસું ખેંચાતા, રાજય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ખેતી માટે મળશે 10 કલાક વીજળી

રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાનો વરસાદ ખેંચાતા અને સિંચાઈની જરૂરિયાત વધતા ઊર્જા વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને ખેતી અને સિંચાઈ માટે અગાઉ મળતી 8 કલાક વીજળીના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.
ઊર્જા વિભાગે રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીઓને આ અંગે તાત્કાલિક અમલ કરવા માટે આદેશ આપ્યા છે. નવા નિર્ણય મુજબ એગ્રીકલ્ચર ફીડર પરથી ખેડૂતોને દરરોજ 10 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી પાકને જરૂરી સિંચાઈ મળી રહે અને ખેતીકારોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસાના વરસાદમાં વિલંબ અને ઓછા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. પાકને બચાવવા માટે ખેડૂતો સિંચાઈ પર વધુ નિર્ભર બન્યા છે. આવી સ્થિતિમાં સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઊર્જા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સિંચાઈ માટે પૂરતી વીજળી મળી રહે તે માટે તમામ વીજ કંપનીઓએ જરૂરી આયોજન કરવાનું રહેશે. સાથે જ વીજ પુરવઠાની સ્થિતિ પર સતત નજર રાખવા અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેની પણ સૂચના આપવામાં આવી છે.
ખેડૂતો માટે લેવાયેલા આ નિર્ણયને કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. વધારાના બે કલાક વીજ પુરવઠાથી સિંચાઈની કામગીરી સરળ બનશે અને પાકને નુકસાન થવાની શક્યતા પણ ઘટશે. તેવી આશા સેવાઇ રહી છે.
નોંધનિય છે કે, ખેડૂતોના સંગઠનો અને કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વધારાના વીજ પુરવઠાની માંગ કરવામાં આવી રહી હતી. વરસાદમાં વિલંબને કારણે ખેડૂતોને બોરવેલ અને અન્ય સિંચાઈ સાધનોનો વધુ ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે વધુ વીજળીની જરૂરિયાત ઉભી થઈ હતી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને પાક બચાવવા અને સમયસર ખેતી કામગીરી પૂર્ણ કરવામાં મદદ મળશે.