ગુજરાતમાં 23 જૂન બાદ ચોમાસું જામશે, આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

ગુજરાતમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાને લઈને નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ 23 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.          

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 20 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 23થી 26 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન વધુ મજબૂત બનશે અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, કેટલાક વિસ્તારોમાં 3થી 5 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, જે ખેતી માટે લાભદાયક સાબિત થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ બની શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 21 જૂન પછી મુંબઈ તરફથી ચોમાસું આગળ વધશે અને મહારાષ્ટ્ર તેમજ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની ગતિ પર અસર જોવા મળી રહી છે. ચોમાસાની સમગ્ર સિઝન અંગે વાત કરતાં અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલનીનોની અસર વધુ જોવા મળી શકે છે. અલનીનોના કારણે વરસાદનું વિતરણ અસમાન રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે  છે તો કેટલાક વિસ્તારમાં વરસાદની અછત જોવા મળી શકે છે. 

તેમ છતાં તેમણે આ વર્ષે ચોમાસું સામાન્યથી સારું રહેવાની આશા વ્યક્ત કરી છે. તેમના અંદાજ મુજબ સમગ્ર ચોમાસા દરમિયાન રાજ્યમાં સરેરાશના 80થી 90 ટકા જેટલો વરસાદ નોંધાઈ શકે છે.હવામાનની સ્થિતિમાં ફેરફાર શક્ય હોવાથી ખેડૂતો અને નાગરિકોને સત્તાવાર હવામાન વિભાગની આગાહીઓ પર પણ નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *