કાજલ મહેરિયાના લગ્ન બાદ હવે કોર્ટમાં નકલી છૂટાછેડા, સિંગરના નામે કોઈએ કરી નાખી અરજી, કોર્ટે ખોલી પોલ

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તમે બધા જાણતા જ હશો તેમ થોડા મહિનાઓ પહેલાં તેમના આંતરજ્ઞાતિ પ્રેમલગ્નને લઈને ભારે વિવાદ સર્જાયો હતો, ત્યારે હવે તેમના નામે ફેમિલી કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી દાખલ થઈ જતાં નવો વિવાદ ઉભો થયો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ અરજી ન તો કાજલ મહેરિયાએ કરી હતી અને ન તો તેમના પતિ અલ્પેશ ઠાકોરે. જોકે સમગ્ર મામલો કોર્ટની નોટિસ મળ્યા બાદ સામે આવ્યો હતો.
મહેસાણાની ફેમિલી કોર્ટમાં કાજલ મહેરિયા અને તેમના પતિ અલ્પેશ ઠાકોરના નામે છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં બંનેના ફોટોગ્રાફ પણ સામેલ કરવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે, પતિ-પત્ની વચ્ચે મતભેદ હોવાથી સાથે રહેવું શક્ય નથી. આ તરફ કોર્ટ તરફથી નોટિસ મળતાં કાજલ મહેરિયા અને તેમના પતિ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા, કારણ કે તેમણે આવી કોઈ અરજી કરી જ નહોતી. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટ સમક્ષ પહોંચ્યો અને નકલી અરજીનું રહસ્ય બહાર આવવાનું શરૂ થયું.
અરજીમાં દર્શાવવામાં આવ્યું હતું કે, કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના લગ્ન 1 મે, 2024ના રોજ હિન્દુ વિધિ અનુસાર થયા હતા. જોકે જાહેરમાં ઉપલબ્ધ મેરેજ સર્ટિફિકેટ મુજબ બંનેના લગ્ન 10 ઓક્ટોબર, 2025ના રોજ થયા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. અરજીમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, બંને વચ્ચે મનમેળ નથી, પરિવારજનોના અનેક પ્રયાસો છતાં સંબંધોમાં સુધારો આવ્યો નથી અને ભવિષ્યમાં સાથે રહેવાની કોઈ શક્યતા નથી. એટલું જ નહીં કાજલ છેલ્લા 12 મહિનાથી પોતાના પિયરમાં રહેતી હોવાનું પણ દર્શાવવામાં આવ્યું હતું.
આ તરફ જ્યારે આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે કોર્ટમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી. જજે સૌપ્રથમ અરજદાર પક્ષના વકીલ વિશે પૂછપરછ કરી હતી. કાજલ મહેરિયાના વકીલે સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમને પણ ખબર નથી કે આ અરજી કોણે કરી છે. અરજીમાં અરજદારના વકીલ તરીકે અમદાવાદના એડવોકેટ જે.સી. મોદીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. કોર્ટ દ્વારા સંપર્ક કરવામાં આવતા જે.સી. મોદીએ જણાવ્યું હતું કે, તેમને આ અરજી અંગે કોઈ જાણકારી નથી અને અરજી પર રહેલી સહી પણ તેમની નથી.આ તરફ જ્યારે કોર્ટ સમક્ષ સ્પષ્ટ થયું કે અરજી નકલી છે અને અરજદારોને તેની કોઈ જાણ નથી, ત્યારે કોર્ટે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું હતું. સમગ્ર મામલાની નોંધ લઈને કોર્ટ દ્વારા અરજીને રદબાતલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે સ્પષ્ટ થઈ ગયું કે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર વચ્ચે કોઈ પ્રકારનો વૈવાહિક વિવાદ નથી અને બંને સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે.
કાજલ મહેરિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, અરજી સૌથી પહેલાં કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ જમા થઈ હતી, તેથી સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ. જોકે કોર્ટ દ્વારા આ માગણી સ્વીકારવામાં આવી નહોતી. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી કે સંબંધિત રજીસ્ટ્રાર છેલ્લા બે દિવસથી રજા પર છે, જેના કારણે આ કેસ વધુ ચર્ચામાં આવ્યો છે.
કાજલ મહેરિયા પોલીસ સ્ટેશન પહોંચી, છતાં FIR નોંધાઈ નહીં
આ બધાની વચ્ચે પોતાના નામે ખોટી અરજી થતા કાજલ મહેરિયાએ તાત્કાલિક મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. તેમણે અજાણ્યા શખ્સ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે અરજી સ્વીકારીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે, પરંતુ સત્તાવાર FIR નોંધવાની પ્રક્રિયા અંગે કાનૂની અડચણ હોવાનું જણાવ્યું છે. પોલીસનું કહેવું છે કે, ઘટના કોર્ટ પરિસરમાં બની હોવાથી કોર્ટ તરફથી આદેશ મળ્યા બાદ જ આગળની કાર્યવાહી થઈ શકશે.
લગ્નથી શરૂ થયો હતો વિવાદ
કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના પ્રેમલગ્ન પહેલાથી જ ચર્ચાનો વિષય બન્યા હતા. બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. લગ્નની જાણ થતા પરિવાર અને સમાજના કેટલાક આગેવાનોએ તેનો વિરોધ કર્યો હતો. કાજલના ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સમાજ પાસે મદદ માગી હતી, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો હતો. આ તરફ લગ્નના વિરોધ વચ્ચે કાજલની માતા, પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લાના સેરથા ગામે પહોંચ્યા હતા, જ્યાં અલ્પેશનો પરિવાર રહે છે. બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા. એક તરફ કાજલના પરિવારજનોએ અપમાનજનક વર્તનનો આરોપ મૂક્યો હતો, તો બીજી તરફ અલ્પેશના પરિવારજનોએ ધમકી મળ્યાનો દાવો કર્યો હતો.