સુરતમાં ભૂતિયા ડિમોલિશનને લઈને મનપા કમિશ્નરનો નિર્ણય, તપાસ માટે બનાવી હાઈપાવર કમિટી

સુરતમાં નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશનને લઈ ભારે વિવાદ થયા બાદ તપાસ માટે મનપા કમિશ્નરે હાઈપાવર કમિટીની રચના કરી છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે મનપા કમિશ્નરે કમિટીની રચના કરી હતી. ભૂતિયા ડિમોલિશનની તપાસ માટે છ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં બે ડે.મ્યુનિ.કમિશ્નર, 1 એડી સિટી ઈજનેર, 2 કાર્યપાલક ઈજનેરનો સમાવેશ થાય છે. કમિટી તપાસનો અહેવાલ પાલિકા કમિશ્નરને સોંપશે. બાદમાં રિપોર્ટના આધારે કસૂરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 3 વિવાદિત અધિકારીઓને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. એડી સિટી ઈજનેર મહેશ ચાવડા, કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા, આર.ડી.ગાંજા વાલા પણ અગાઉ વિવાદમાં આવી ચુક્યા છે.
હાઈપાવર કમિટી કયા કર્મચારીની શું ભૂમિકા છે અને ગેરરીતિ થઈ છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રિપોર્ટ રજૂ કરશે. આ કમિટીમાં જૂનિયર ડેપ્યુટી કમિશનર અધ્યક્ષ અને સિનિયર ડેપ્યુટી કમિશ્નરને સભ્ય બનાવાયા છે. જો કે આ કમિટીમાં સામેલ 3 અધિકારીઓ અગાઉ ખુદ જ વિવાદમાં આવી ચુક્યા છે ત્યારે સવાલ થાય છે કે આ અધિકારીઓ શું તપાસ કરશે. જી હા એડિશનલ સિટી ઈજનેર મહેશ ચાવડા કતારગામના ઝોનલ ચીફ હતા ત્યારે ભાજપના જ પૂર્વ કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામોની ફાઈલ આપવા છતાં પગલા લીધા ન હતા. ગેરકાયદે હોસ્પિટલનું ડિમોલિશન ન કરવાના વિવાદ બાદ કમિશ્નરે રાંદેરમાં બદલી કરી હતી. તો આ તરફ કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા પણ જ્યારે વરાછા ઝોનમાં હતા ત્યારે કોંટ્રાક્ટર પાસે પૈસાની લેતી-દેતીનો પૂર્વ વિપક્ષના નગરસેવકો સાથે વાતચીત અંગેનો ઓડિયો વાયરલ થયો હતો અને એસીબી તપાસની માંગ ઉઠી હતી. સંકલનની બેઠકમાં પણ ધારાસભ્યએ ભ્રષ્ટાચારના આરોપો કર્યા બાદ તેમને સાયસન્સ સેંટરમાં ધકેલી દેવાયા હતા. તો કાર્યપાલક ઈજનેર આર.ડી.ગાંજાવાલા પણ સેંટ્રલ ઝોનમાં થોકબંધ ગેરકાયદે બાંધકામોને છાવરવાના વિવાદમાં આવતા તેમને એર્ફોડેબલ હાઉસિંગ વિભાગમાં ખસેડાયા હતા. પોતે જ વિવાદો અને સજા ભોગવી ચૂકેલા આવા અધિકારીઓ ગેરકાયદે બાંધકામની શું તટસ્થ તપાસ કરશે તે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ હાઈપાવર તપાસ સમિતિ ડેપ્યુટી કમિશનર એમ.એમ. ગજ્જરની અધ્યક્ષતામાં કામ કરશે. આ સમિતિની અંદર વહીવટી અને ટેકનિકલ પાંખના ઉચ્ચ નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. આ કમિટી ખાસ કરીને સેન્ટ્રલ ઝોનના જવાબદાર અધિકારીઓની આ સમગ્ર ઘટનામાં શું ભૂમિકા હતી, કોના ઈશારે અને કયા નિયમો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને પોતાનો સત્તાવાર અહેવાલ કમિશનરને સોંપશે. ઉલ્લેખનીય છે કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીર નગરની 100થી વધુ નાની-મોટી મિલકતોનું કોઈ પણ યોગ્ય કાનૂની પૂર્વ સૂચના વગર અચાનક ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જે અંગે સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો હતો.