ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી

ભારતે ઇબોલા વાયરસના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા આફ્રિકન દેશોમાં બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આ પરિસ્થિતિને વૈશ્વિક જાહેર આરોગ્ય ઇમરજન્સી તરીકે જાહેર કર્યા બાદ ભારત સરકારે આ એડવાઇઝરી બહાર પાડી છે.
ભારત સરકારે માત્ર પ્રવાસ ટાળવાની જ નહીં પરંતુ આ ત્રણ દેશોમાં રહેતા ભારતીય નાગરિકોને પણ જરૂરી સાવચેતી રાખવા અને સ્થાનિક સત્તાધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા માર્ગદર્શનોનું પાલન કરવાની સલાહ આપી છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ એડવાઇઝરીમાં જણાવાયું છે કે,“ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને અન્ય પ્રભાવિત દેશોમાં વિકસતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા WHOની ભલામણો અનુસાર, ભારત સરકાર પોતાના તમામ નાગરિકોને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનમાં બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપે છે.
આ નિર્ણય વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા ઇબોલા ફેલાવાને વૈશ્વિક આરોગ્ય ઇમરજન્સી જાહેર કર્યા બાદ લેવામાં આવ્યો છે.
WHO દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે,“ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) અને યુગાન્ડામાં ઇબોલા રોગના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, WHOએ આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (IHR) 2005 હેઠળ 17 મે, 2026ના રોજ આ પરિસ્થિતિને Public Health Emergency of International Concern (PHEIC) તરીકે જાહેર કરી છે.”
આ ઉપરાંત WHOએ ઇબોલા વાયરસના કેસ નોંધાયેલા વિસ્તારોમાં બિનજરૂરી પ્રવાસ ન કરવાની પણ સલાહ આપી છે. ભારત સરકારે પોતાના નાગરિકોને આપેલી સલાહ WHOની નવી માર્ગદર્શિકાને અનુરૂપ છે.