ગુજરાતીઓ કામ વિના બહાર ન નીકળતા, રાજ્યમાં આગામી 3 દિવસ યલો-ઓરેન્જ એલર્ટ

રાજ્યભરમાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે વધુ તીવ્ર બનતી જઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. અનેક શહેરોમાં તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધુ રહેવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં પણ ઉકળાટભર્યા વાતાવરણ અને તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ ગરમીને લઈને ચેતવણી આપવામાં આવી છે.
તાપમાનમાં સતત વધારો થવાને કારણે બપોરના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા શ્રમિકોને બપોર દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવું, હળવો આહાર લેવો અને સીધી ધુપથી દૂર રહેવું જરૂરી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પણ હીટવેવને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા વ્યક્ત કરતાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.