અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો

અમદાવાદના વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલાં થયેલી એક મહિલાની હત્યાનો ભેદ આખરે ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. વર્ષ 1992માં કુતુબનગર વિસ્તારમાં થયેલી આ હત્યામાં મહિલાના હાડપિંજરના ડીએનએ (DNA) રિપોર્ટ તેના ભાઈ સાથે મેચ થતાં પોલીસે હત્યાનો ખુલાસો કર્યો છે. આ કેસમાં પોલીસે મહિલાના પતિ અને જેઠની ધરપકડ કરી છે, જ્યારે ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓના અગાઉ જ મોત થઈ ચૂક્યા છે. પત્ની દેહવ્યાપારનું કામ બંધ ન કરતી હોવાથી કંટાળીને પતિએ તેની હત્યા કરી લાશને ખાડામાં દાટી દીધી હતી.
આખી ઘટનાની વિગતવાર વાત કરીએ તો, વર્ષ 1992માં વટવાના કુતુબનગર વિસ્તારના પ્લોટ નંબર 10માં ફરઝાના નામની એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ તેના મૃતદેહને સગેવગે કરવા માટે ઘરમાં જ ખાળકૂવા જેવા 20 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયો હતો. વર્ષો બાદ આ કેસની તપાસ દરમિયાન પોલીસને હાડપિંજર મળી આવ્યું હતું. હત્યાનું પગેરું મેળવવા માટે પોલીસે ફરઝાનાના વતન ધોળકા જઈને તેના પરિવારજનોના નિવેદન લીધા હતા. આખરે ફરઝાનાના ભાઈના DNA સેમ્પલ હાડપિંજર સાથે મેચ થઈ જતાં આખી મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઊંચકાયો હતો.
પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફરઝાના દેહવ્યાપાર સાથે જોડાયેલી હતી. તેનો પતિ સમસુદ્દીન વારંવાર કહેવા છતાં તે આ કામ છોડવા તૈયાર નહોતી. આ જ વાતને લઈને કંટાળી ગયેલા સમસુદ્દીને અદાવત રાખીને પોતાના ભાઈ ઈકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને પત્નીનો કાંટો કાઢી નાખવાનો પ્લાન ઘડ્યો હતો.