અમદાવાદમાં AMTSની રફ્તાર બની બેકાબૂ, નારણપુરા ક્રોસિંગ નજીક કાર અને 2 ટુ વ્હીલરને મારી ટક્કર

અમદાવાદના નારણપુરા ક્રોસ રોડ પર આજે ગુરુવારે AMTS બસ બેકાબૂ બનતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. AMTS બસે એક કાર અને બે ટુ-વ્હીલરને ટક્કર મારતા બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકોએ બસ ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વ્યસ્ત નારણપુરા ક્રોસ રોડ વિસ્તારમાં આજે ગુરુવારે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. AMTS બસ, કાર અને બે ટુ-વ્હીલર વચ્ચે થયેલી આ ટક્કરમાં બે લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ AMTSની 400 નંબરની બસ પૂરઝડપે નારણપુરા ચાર રસ્તા તરફ આવી રહી હતી. આ દરમિયાન બસે પહેલા એક કારને અડફેટે લીધી અને ત્યારબાદ નજીકમાં પસાર થઈ રહેલા બે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એક ડિલિવરી બોય રોડ પર પટકાયો હતો અને તેને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો અને બેદરકારીપૂર્વક બસ ચલાવી રહ્યો હતો. કેટલાક લોકોએ જણાવ્યું કે બસ ખૂબ જ ઝડપમાં હતી અને ડ્રાઇવરે સમયસર બ્રેક ન મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે પોલીસે હાલ આ મુદ્દે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસનું કહેવું છે કે ડ્રાઇવરનું મેડિકલ પરીક્ષણ અને તપાસ બાદ જ હકીકત સામે આવશે.