પહેલગામ હુમલાની વરસી પર PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ, તેમની યાદો હંમેશા આપણાં દિલોમાં જીવંત રહેશે

આજથી બરાબર એક વર્ષ પહેલાં 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના શાંત અને સુંદર પહેલગામ વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. બૈસરન ખીણમાં થયેલા આ નિર્દયી હુમલામાં અનેક નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને તે દિવસ ભારતના ઇતિહાસમાં એક દુઃખદ સ્મૃતિ તરીકે અંકિત થઈ ગયો. ભારત આતંકવાદ સામે ક્યારેય ન ઝૂકશે-પહેલગામ હુમલાની પહેલી વર્ષગાંઠે દેશનો દૃઢ સંકલ્પ ફરી ગૂંજી ઉઠ્યો છે.

આ આતંકી હુમલાની પહેલી વરસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંદેશ આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ પ્રકારની હિંસાને ક્યારેય સહન કરવામાં નહીં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નિર્દોષ લોકોના બલિદાનને ભૂલવું શક્ય નથી અને આતંકવાદીઓના દુષિત પ્રયાસોને હંમેશા નિષ્ફળ બનાવવામાં આવશે. દેશની એકતા અને અડગ મનોબળ જ આતંક સામેની સૌથી મોટી શક્તિ છે.

આ હુમલાએ માત્ર જીવહાનિ જ નહીં, પરંતુ અનેક પરિવારોના સપનાઓને પણ ચકનાચૂર કરી નાખ્યા. દેશભરમાં દુઃખ અને ગુસ્સાની લાગણી ફેલાઈ ગઈ, અને લોકોમાં આતંકવાદ વિરુદ્ધ એકતા અને પ્રતિકારની ભાવના વધુ મજબૂત બની. એક વર્ષ પછી પણ તે ભયાનક ક્ષણો યાદ કરતાં દિલ દ્રવી ઉઠે છે. આ વર્ષગાંઠે ખીણમાં સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ગુપ્તચર તંત્રને સતર્ક રાખવામાં આવ્યું છે અને પર્યટન વિસ્તારોમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આસપાસના વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશનો દ્વારા સંભવિત ખતરાઓને પહેલેથી જ નાબૂદ કરવાની કોશિશ થઈ રહી છે.

આ હુમલાના થોડા સમય પછી ભારતે આતંકવાદ સામે કડક પગલાં પણ લીધાં, જેમાં આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને દેશે પોતાની શક્તિ અને સંકલ્પનો પરિચય આપ્યો. આ સમગ્ર પરિસ્થિતિ એ બતાવે છે કે ભારત માત્ર દુઃખમાં ડૂબી રહેતું નથી, પરંતુ દરેક પડકાર સામે મજબૂતીથી ઉભું રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *