જિમ જતા યુવાનોમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેક? કસરત કરવાનો સાચો સમય અને રીત જાણો

આજકાલ યુવાનોમાં સિક્સ પેક અને ફિટ બોડી બનાવવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે, પણ આ ફિટનેસનો શોખ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી જિમમાં ભારે વર્કઆઉટ કરતા યુવાનોમાં અચાનક હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધ્યા છે. જો તમે પણ જિમ જાવ છો, તો તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે કસરત કરવાનો સાચો સમય કયો છે, અને કઈ ખરાબ આદતો કે બેદરકારી તમને હાર્ટ એટેકનો શિકાર બનાવી શકે છે. ચાલો આ ગંભીર મુદ્દા વિશે વિગતે સમજીએ.

યુવાનોમાં હાર્ટ એટેકનું રિસ્ક કેમ વધી રહ્યું છે?

અચાનક ભારે કસરત: ઘણા લોકો જિમમાં જતા જ અચાનક ભારે વજન ઉપાડવા લાગે છે કે ટ્રેડમિલ પર ફાસ્ટ દોડવા લાગે છે. શરીર ટેવાયેલું ન હોવાથી હૃદય પર અચાનક મોટો લોડ પડે છે, જે અત્યંત ખતરનાક બની શકે છે.

અંદરની બીમારીની જાણ ન હોવી: ઘણા યુવાનોને ખબર જ નથી હોતી કે તેમને અંદરખાને બ્લોકેજ, હાઈ બ્લડ પ્રેશર કે હૃદયની અન્ય કોઈ સમસ્યા છે. આવી સ્થિતિમાં ભારે કસરત કરવાથી હૃદય માટે સીધું જોખમ ઊભું થાય છે.

ડિહાઇડ્રેશન (પાણીની કમી): વર્કઆઉટમાં પુષ્કળ પરસેવો થાય છે. જો શરીરમાં પાણી કે ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટી જાય, તો તેની સીધી અસર હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર પર પડે છે.

ખોટો ડાયેટ અને સપ્લીમેન્ટ્સનો ઉપયોગ: જલ્દી બોડી બનાવવાના ચક્કરમાં ઘણા લોકો ડોક્ટર કે એક્સપર્ટની સલાહ વગર જ એનર્જી ડ્રિંક્સ, સ્ટેરોઇડ્સ કે અન્ય સપ્લીમેન્ટ્સ લેવા લાગે છે. આ વસ્તુઓ હૃદયના ધબકારા અસામાન્ય રીતે વધારી દે છે.

ખરાબ વાતાવરણમાં કસરત: બહુ જ વધારે ગરમી કે કાતિલ ઠંડીમાં કસરત કરવાથી શરીર પર વધારાનો ભાર પડે છે, જેની સીધી અસર હૃદય પર થાય છે.

કસરત માટે સૌથી બેસ્ટ સમય કયો છે?

કસરત કરવાનો સાચો સમય તમારી ડેઈલી રૂટીન અને શરીરની જરૂરિયાત પર આધાર રાખે છે:

સવારની કસરત: સવારે વર્કઆઉટ કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને આખો દિવસ શરીર એક્ટિવ રહે છે. પરંતુ સવારે શરીર થોડું જકડાયેલું હોય છે, એટલે કસરત પહેલાં ‘વોર્મ-અપ’ (Warm-up) કરવું બહુ જ જરૂરી છે.

સાંજની કસરત: સાંજે કસરત કરવાથી શરીર વધુ ફ્લેક્સિબલ (લવચીક) હોય છે, જેથી ઈજા થવાના ચાન્સ ઘટી જાય છે અને દિવસભરનો તણાવ દૂર થાય છે. જોકે, બહુ મોડી રાત્રે ભારે કસરત કરવાથી કેટલાક લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

જે લોકોને પહેલેથી જ હાર્ટની કોઈ તકલીફ છે, બીપી કે ડાયાબિટીસ છે, જેઓ વધારે પડતા વજનથી પીડાય છે અથવા જેઓ લાંબા સમય પછી કસરત શરૂ કરી રહ્યા છે, તેમણે ખાસ ચેતવું જોઈએ. જિમમાં જતા જ ભારે કસરત શરૂ ન કરો, શરીરને સેટ થવા માટે થોડો સમય આપો. કસરત પહેલાં અને પછી હળવું સ્ટ્રેચિંગ ચોક્કસ કરો. ખાસ ધ્યાન રાખો કે વજન ઉપાડતી વખતે શ્વાસ રોકી ન રાખો, તેનાથી હૃદય પર પ્રેશર આવે છે. જો વર્કઆઉટ દરમિયાન તમને ચક્કર આવે, છાતીમાં દુખાવો થાય કે ધબકારા અચાનક વધી જાય, તો તરત જ કસરત અટકાવી દો અને આરામ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *