કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી

ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ ગયો છે. આ કુદરતી આફતને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક એક્શન લેતા પાક નુકસાનીના સર્વેના આદેશ આપી દીધા છે. જોકે, ખેડૂતો પરથી હજુ આફત ટળી નથી, કારણ કે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.
આ મામલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જની અસરના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કૃષિ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓ પાસેથી નુકસાનીનો પ્રાથમિક રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો સત્વરે સર્વે કરવાની સૂચનાઓ તંત્રને આપી દેવામાં આવી છે. આ સર્વેનો અંતિમ રિપોર્ટ આવ્યા બાદ જ સરકાર ખેડૂતોને આર્થિક સહાય ચૂકવવા અંગે વિચારણા કરશે.
બીજી તરફ, ગ્રાઉન્ડ ઝીરોની વાત કરીએ તો સૌથી ખરાબ હાલત ગીર સોમનાથ જિલ્લાની છે. અહીં ગીર ગઢડા તાલુકામાં માત્ર 2 કલાક પડેલા કમોસમી વરસાદે ભારે તબાહી મચાવી છે. હરમડિયા અને તેની આસપાસના ગામડાઓમાં ખેતીનો પાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે. વાતાવરણના આ પલટાથી બાગાયતી અને ઉનાળુ પાકને મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને બાજરી, તલ, ડુંગળી અને અડદના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. ભારે પવનના ઝાટકાથી અનેક જગ્યાએ આંબાના ઝાડ મૂળમાંથી ધરાશાયી થઈ ગયા છે અને આંબા પરથી કાચી કેરીઓ ખરી પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલમાં આ વિસ્તારના ખેડૂતો તાત્કાલિક સર્વે કરી વહેલી તકે સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો થાય તેવા અહેવાલો સામે આવ્યા છે. રાજસ્થાનમાં ‘સાયક્લોનિક અપર એર સિસ્ટમ’ સક્રિય થવાને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ હજુ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની પૂરેપૂરી આગાહી છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, કચ્છ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત