વિદ્યાર્થીઓને ભોજન મળી રહે તે માટે L.D. એન્જિ.ની મેસમાં પરંપરાગત દેશી ચૂલા પર રસોઈ શરૂ

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને હોસ્ટેલની મેસ ચલાવતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર ન મળવાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને હોસ્ટેલની કેન્ટિનમાં કામકાજ પર સીધી અસર પડી છે. ઘણા સ્થળોએ રસોઈ બનાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેના કારણે રોજિંદી વ્યવસ્થા જાળવવી સંચાલકો માટે પડકાર બની ગઈ છે.

બીજી તરફ જ્યાં સિલિન્ડર ઉપલબ્ધ છે ત્યાં તેની કાળાબજારી થતી હોવાની પણ ચર્ચા છે. કેટલાક વેપારીઓ મુજબ કોમર્શિયલ સિલિન્ડર માટે 3000થી 4000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. વધેલા ખર્ચ અને અછતના કારણે નાના વેપારીઓ તેમજ મેસ સંચાલકો પર આર્થિક દબાણ વધી ગયું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે મેસ ચલાવતા સંચાલકોને સૌથી વધુ અસર થઈ રહી છે, કારણ કે તેમને દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભોજન તૈયાર કરવું પડે છે.

આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદની L.D. College of Engineering માં એક અલગ જ દૃશ્ય જોવા મળી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓ ભૂખ્યા ન રહે તે માટે મેસ સંચાલકોએ પરંપરાગત દેશી ચૂલા પર જમવાનું બનાવવાનું શરૂ કર્યું છે. ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન હોવાથી હાલ લાકડા અને કોલસાની મદદથી રસોઈ બનાવવામાં આવી રહી છે. મેસના રસોઈયાઓ પરંપરાગત રીતથી ભોજન તૈયાર કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને સમયસર જમવાનું મળી શકે. સંચાલકોનું કહેવું છે કે ગેસની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી આ રીતે જ વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:શું શુભમન ગિલ અને સંજુ સેમ્સન વચ્ચે કોઈ મતભેદ થયો છે? T20 વર્લ્ડ કપ જીત બાદ ગિલે શેર કરેલી પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *