ગિરનાર પર અંબાજી મંદિરના ભંડારામાં દારૂ-નોનવેજની પાર્ટી

ગિરનાર પર આવેલ અંબાજી મંદિરમાં ભંડારાખંડમાં દારૂ અને નોનવેજની મહેફિલ યોજાઈ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે ખળભળાટ મચ્યો છે. વાઈરલ વીડિયોમાં બે થી ત્રણ લોકો અશ્લીલ ભાષામાં ગાળાગાળી કરતા અને કથિત રીતે નોનવેજ ખાતા તેમજ દારૂ પીતાં દેખાઈ રહ્યા છે. પવિત્ર સ્થળ પર આવી પ્રવૃત્તિઓનો વીડિયો સામે આવતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી મંદિરના 10 પૂજારીઓ અને એક રસોઈયાને સસ્પેન્ડ કરી દીધા છે અને તેમને મંદિર પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

પવિત્ર સ્થળને અપવિત્ર કર્યાનો વીડિયો વાઈરલ થતા કાર્યવાહી : માતાજીના મંદિરના ભંડારામાં નોનવેજ અને દારુ આરોગતા હોવાનો વીડિયો વાઈરલ થયાનો ​આ ગંભીર મામલો વહીવટી તંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા, મંદિરની ગરિમા લજવનારા 11 કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજમુક્ત (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક લાગણી દુભાવનારા કોઈ પણ શખ્સને છોડવામાં આવશે નહીં.

ઘટના બાદ મામલતદારની દેખરેખ હેઠળ મંદિર પરિસર, ખાસ કરીને ભોજનાલયના વિસ્તારમાં, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું છે જેથી સ્થળને ફરી પવિત્ર બનાવવામાં આવે. એસડીએમ ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગિરનાર પર્વત પર લાંબા સમયથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે વારંવાર ફરિયાદો મળી રહી હતી. થોડા સમય પહેલા અંબાજી મંદિરના ભંડારામાં મટન અને દારૂની પાર્ટી થઈ હોવાનો વીડિયો સામે આવતા તંત્ર સક્રિય બન્યું હતું.

આ ઘટનાને પગલે મંદિર સાથે જોડાયેલા 10 પૂજારીઓ અને એક રસોઈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ લોકોની નિમણૂક તે સમય દરમિયાન કરવામાં આવી હતી જ્યારે મંદિરનું સંચાલન મામલતદારના હસ્તક હંગામી રીતે કરવામાં આવતું હતું. હાલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસમાં જે કોઈ પણ દોષિત સામે આવશે તેમના સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી તંત્ર દ્વારા દર્શાવવામાં આવી છે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદના ઘીકાંટા વિસ્તારની મેટ્રોપોલિટન કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *