ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડનારા હીરો: સેમસને સતત ત્રણ અડધી સદી ફટકારી, જ્યારે બુમરાહ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો.

ભારતે ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યું. આ જીત પાછળ સમગ્ર ટીમનું યોગદાન રહ્યું, પરંતુ કેટલાક ખેલાડીઓએ મુશ્કેલ સમયમાં શાનદાર પ્રદર્શન કરીને જીતને શક્ય બનાવી.
ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા 5 હીરો
1. મોટી મેચોમાં સંજુ સેમસનની શાનદાર બેટિંગ:
વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયા. તેમણે સતત ત્રણ મેચમાં અડધી સદી ફટકારી. લીગ સ્ટેજ દરમિયાન પ્લેઇંગ-11માં સ્થાન માટે સંઘર્ષ કરી રહેલા સેમસનને વેસ્ટ ઇન્ડિઝ સામે કોલકાતામાં તક મળી, જ્યાં ટીમને જીત ખૂબ જરૂરી હતી.
સેમસને મુશ્કેલ પિચ પર અણનમ 97 રનની ઇનિંગ્સ રમીને ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. ત્યારબાદ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે અને ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 89-89 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેઓ ભારતના સૌથી વધુ રન બનાવનારા ખેલાડી રહ્યા અને તેમને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો એવોર્ડ મળ્યો.
2. જસપ્રીત બુમરાહ – ટૂર્નામેન્ટના ટોપ વિકેટ ટેકર
જસપ્રીત બુમરાહે ફાઇનલમાં શાનદાર બોલિંગ કરીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ મેળવ્યો. તેમણે ન્યુઝીલેન્ડ સામે 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 4 વિકેટ ઝડપી. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેમણે 8 મેચમાં કુલ 14 વિકેટ મેળવીને સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યા.
સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે પણ તેમની બોલિંગ નિર્ણાયક સાબિત થઈ. ઇંગ્લેન્ડ 254 રનનો પીછો કરતાં 15 ઓવરમાં 5 વિકેટે 185 રન સુધી પહોંચી ગયું હતું. ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવે બુમરાહને બોલિંગ માટે લાવ્યા. તેમણે મિડલ ઓવરમાં દબાણ બનાવ્યું અને માત્ર 14 રન આપ્યા, જેના કારણે ભારતે અંતે 7 રનથી મેચ જીતી.
3. ઈશાન કિશનની તોફાની શરૂઆત
ટૂર્નામેન્ટ પહેલા છેલ્લી ઘડીએ ટીમમાં પસંદ કરાયેલા ઓપનર ઈશાન કિશને પણ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ટૂર્નામેન્ટમાં 3 અડધી સદી ફટકારી. ફાઇનલમાં તેણે 21 બોલમાં 52 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. સંજુ સેમસન સાથે તેણે 48 બોલમાં 105 રનની ભાગીદારી કરી.
પાકિસ્તાન સામેની મેચમાં અભિષેક શર્મા શૂન્ય રને આઉટ થયા બાદ ઈશાને તિલક વર્મા સાથે 88 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને 175 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. તેણે તે મેચમાં 77 રન બનાવ્યા. ઈશાને નામિબિયા સામે પણ અડધી સદી ફટકારી. સમગ્ર ટૂર્નામેન્ટમાં તેણે 9 મેચમાં 317 રન બનાવ્યા અને ભારતનો બીજો ટોપ સ્કોરર રહ્યો.
4. હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે 9 મેચમાં એક અડધી સદી સાથે 217 રન બનાવ્યા અને સાથે જ 9 વિકેટ પણ ઝડપી.
ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલમાં તેણે 12 બોલમાં 27 રન બનાવીને ટીમનો સ્કોર 250 પાર પહોંચાડ્યો. બોલિંગ દરમિયાન પહેલી જ બોલ પર ફિલ સોલ્ટની વિકેટ લીધી અને 19મી ઓવરમાં માત્ર 9 રન આપીને ભારતની જીત લગભગ સુનિશ્ચિત કરી.
5. શિવમ દુબેની ફાઇનલમાં મેચ બદલતી ઇનિંગ્સ
ફાઇનલમાં ભારતે 15 ઓવરમાં 203 રન બનાવી લીધા હતા, પરંતુ 16મી ઓવરમાં જિમી નીશમે સંજુ સેમસન (89), ઈશાન કિશન (52) અને સૂર્યકુમાર યાદવ (0)ને આઉટ કરતા મેચ થોડું મુશ્કેલ બની ગયું.
આ સમયે શિવમ દુબેએ અંતિમ ઓવરમાં જિમી નીશમ સામે બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકારીને માત્ર 8 બોલમાં 26 રન બનાવ્યા. તેમની આ તોફાની ઇનિંગ્સના કારણે ભારતે ફાઇનલમાં 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો. સેમિફાઇનલમાં પણ તેમણે ઇંગ્લેન્ડ સામે 25 બોલમાં 43 રન બનાવીને ટીમને મદદ કરી.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો : T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ