દુબઈ અને અબુ ધાબીથી ભારત પહોંચેલી ફ્લાઈટ્સમાં પીવી સિંધુ પરત ફરી, એરપોર્ટ પર સ્ટાફનો આભાર માન્યો

યુએઈ (UAE)માં ફસાયેલા હજારો ભારતીયો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષના કારણે કેટલાય દિવસો સુધી સ્થગિત રહ્યા બાદ, એરલાઈન્સે મર્યાદિત કામગીરી ફરી શરૂ કરતા સોમવારે રાત્રે દુબઈ અને અબુ ધાબીથી ફ્લાઈટ્સ ભારતમાં ઉતરવાનું શરૂ થયું હતું.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, એમિરેટ્સની ફ્લાઈટ EK 500 મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી, જ્યારે અબુ ધાબીથી પહેલી ફ્લાઈટ બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી. અન્ય સેવાઓ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી.દુબઈથી બેંગલુરુ જતી એમિરેટ્સની ફ્લાઈટ EK 568 માં સવાર મુસાફરોએ સેવાઓ ફરી શરૂ થતા ભાવુક વાતાવરણનું વર્ણન કર્યું હતું. એક અહેવાલ મુજબ, એર હોસ્ટેસે જાહેરાત કરી કે, “બેંગલુરુની આ ફ્લાઈટમાં તમારું સ્વાગત છે. હા, આ પહેલી ફ્લાઈટ છે,” જે સાંભળી મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે ખુશી વ્યક્ત કરી હતી.

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં ફસાયેલી પીવી સિંધુ હેમખેમ ભારત પરત ફરી છે. સિંધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. સિંધુએ જણાવ્યું કે તે બેંગલુરુમાં પોતાના ઘરે પાછી આવી ગઈ છે અને સુરક્ષિત છે.

સિંધુએ પોતાની પોસ્ટમાં લખ્યું- “સહીસલામત ઘરે પાછી આવી ગઈ છું. છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ અને અનિશ્ચિત રહ્યા, પરંતુ હવે પોતાના ઘરે પાછા આવીને સાચે જ કૃતજ્ઞતા અનુભવું છું.”

તેણે દુબઈ એરપોર્ટના સ્ટાફ પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “ઝીણવટભરી ગ્રાઉન્ડ ટીમ, દુબઈ ઓથોરિટી, એરપોર્ટ સ્ટાફ, ઈમિગ્રેશન અને એ દરેક વ્યક્તિનો દિલથી શુક્રિયા જેમણે આ મુશ્કેલ સમયમાં આગળ આવીને અમારી આટલી સારી સંભાળ રાખી. તમારી સહાનુભૂતિ અને વ્યાવસાયિકતા (Professionalism) શબ્દો કરતાં ક્યાંય વધુ મહત્વ ધરાવે છે. અત્યારે આરામ કરવાનો, પોતાને રીસેટ કરવાનો અને આગળના ડગલાં નક્કી કરવાનો સમય છે.”
દુબઈ-બેંગલુરુ ફ્લાઈટના એક મુસાફર સંજીવ મહેતાએ વિમાન ઉપડતા પહેલા આભાર અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “ફ્લાઈટ્સ શરૂ કરવા બદલ યુએઈ સત્તાવાળાઓનો આભાર. અમે હમણાં જ ભારત જવા માટે ફ્લાઈટમાં બેઠા છીએ. આ શરૂ થયેલી શરૂઆતની કેટલીક ફ્લાઈટ્સમાંની એક છે.” મહેતાએ ઉમેર્યું કે મુસાફરો પાસે તૈયારી માટે બહુ ઓછો સમય હતો, પરંતુ ટૂંકી નોટિસ છતાં તેઓ ટિકિટ બુક કરાવી એરપોર્ટ પહોંચવામાં સફળ રહ્યા હતા.

એતિહાદ એરવેઝ દ્વારા સંચાલિત ચાર વિશેષ નિકાસ (evacuation) ફ્લાઈટ્સ અબુ ધાબીથી ફસાયેલા ભારતીયોને પરત લાવી હતી:

  • EY216: રાત્રે 8 વાગ્યે દિલ્હી પહોંચી.
  • EY204: રાત્રે 7:40 વાગ્યે મુંબઈ પહોંચી.
  • EY238: રાત્રે 9:45 વાગ્યે બેંગલુરુ પહોંચી.
  • EY334: રાત્રે10:10 વાગ્યે કોચી પહોંચી.

મુસાફરોએ જણાવ્યું હતું કે ફ્લાઈટ્સ રદ થવા દરમિયાન એરલાઈન્સે હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી અને તેમની સારી સંભાળ રાખી હતી.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વિશેષ રાહત કામગીરી

દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે ઈન્ડિગો (IndiGo) ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે 3 માર્ચના રોજ જેદ્દાહથી 10 વિશેષ રાહત ફ્લાઈટ્સ ચલાવશે. આ કામગીરી જરૂરી મંજૂરીઓ અને હવાઈ ક્ષેત્રની સ્થિતિને આધીન રહેશે. મંત્રાલયે જણાવ્યું કે ઈન્ડિગો આ માટે જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સાથે સંકલન કરી રહી છે.

ટ્રાવેલ પ્લેટફોર્મ ‘EaseMyTrip’એ પણ અસરગ્રસ્તોની મદદ માટે ફુજૈરાહથી દિલ્હી અને મુંબઈ માટે વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સની જાહેરાત કરી છે.

એર ઈન્ડિયા પર પ્રતિબંધ યથાવત

બીજી તરફ, એર ઈન્ડિયાએ તેની મધ્ય પૂર્વની તમામ ફ્લાઈટ્સનું કામચલાઉ સસ્પેન્શન 3 માર્ચના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી લંબાવ્યું છે. એરલાઈને જણાવ્યું હતું કે તેઓ અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અથવા ફ્રી રિશેડ્યુલિંગમાં મદદ કરશે, જ્યારે અમેરિકા, કેનેડા અને યુરોપની તેમની સેવાઓ ચાલુ રહેશે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ, કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *