વલસાડના કુંભઘાટ પર કાળમુખો અકસ્માત: ટ્રક ઈકોની ટક્કરમાં 7 ના કરૂણ મોત, 2 ની હાલત નાજુક

 દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સ્થિત કુખ્યાત કુંભઘાટ પર આજે, 20 February 2026 ના રોજ એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છોડાવી દે તેવો માર્ગ અકસ્માત સર્જાયો છે. કપરાડા નાનાપોંઢા હાઈવે પર પૂરપાટ ઝડપે દોડતી ટ્રક અને ઈકો કાર વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં આંબા જંગલ ગામના એક જ પરિવારના 7 સભ્યો કાળનો કોળિયો બની ગયા છે. આ ગમખ્વાર દુર્ઘટના ઘાટના જોખમી વળાંક પર સર્જાઈ હતી, જેમાં ગાડીનો કચ્ચરઘાણ નીકળી જતાં તમામના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ વિચિત્ર અકસ્માતમાં અન્ય 2 મુસાફરો લોહીલુહાણ હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો કાર ટ્રકની પાછળના ભાગે જે રીતે ઘૂસી ગઈ હતી, તે જોઈને આસપાસના લોકોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કરને કારણે કારનો એક બાજુનો ભાગ સંપૂર્ણપણે ચગદાઈ ગયો હતો. અંદર સવાર પરિવારના સભ્યો લોખંડના પતરા અને ટાયર વચ્ચે એવી રીતે ફસાયા હતા કે તેમને બહાર કાઢવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ અકસ્માતના દ્રશ્યો એટલા વિચલિત કરનારા હતા કે એક મહિલાનું શરીર ટ્રકની નીચે ચગદાઈ ગયું હતું અને માથું સંપૂર્ણપણે છૂંદાઈ ગયું હતું, જેના કારણે ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી.

દુર્ઘટનાનો ભોગ બનેલો આ પરિવાર કપરાડા તાલુકાના આંબા જંગલ ગામનો હોવાનું ખુલ્યું છે. તેઓ પોતાની ઈકો કારમાં સવાર થઈને કોઈ સામાજિક કે અંગત કામકાજ અર્થે કપરાડાથી નાનાપોંઢા તરફ જઈ રહ્યા હતા, ત્યારે કુંભઘાટના જોખમી વળાંક પર સામેથી આવતી ટ્રકે કાળ બનીને તેમને અડફેટે લીધા હતા. આખા ગામમાં એકસાથે 7 લોકોના મોતના સમાચાર પહોંચતા જ આંબા જંગલ ગામમાં આક્રંદ જોવા મળી રહ્યો છે.

મૃતકોની વિગત અને ઓળખ

અકસ્માતમાં જીવ ગુમાવનાર આંબાજંગલ ગામના વ્યક્તિઓની યાદી નીચે મુજબ છે:

  1. કિશનભાઈ મહાદુભાઇ ગંગોડા (ઉંમર: 72 વર્ષ)
  2. વિનોદભાઈ અનાજીભાઈ રાઉત (ઉંમર: 32 વર્ષ)
  3. ગણેશભાઇ લાસ્યાભાઇ મિસાલ (ઉંમર: 33 વર્ષ)
  4. નરેશભાઇ કિશનભાઈ પવાર (ઉંમર: 29 વર્ષ)
  5. શિવરામભાઇ લાહનુંભાઇ ઉંમરમાંગી
  6. રમીલાબેન શિવરામભાઈ માંગી (ઉંમર: 31 વર્ષ)
  7. અન્ય એક મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
  8. બચાવ કામગીરી અને પોલીસ તપાસ
  9. દુર્ઘટનાનો અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ કાફલાએ પણ ઘટનાસ્થળે પહોંચીને ક્રેઈન અને સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 2 લોકોને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક નજીકની મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. કપરાડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ તેજ કરી છે. કુંભઘાટ તેના જોખમી વળાંકોને કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતોનું કેન્દ્ર રહ્યો છે, જે આજે ફરી એકવાર સાબિત થયું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો : શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સુધારો: હવે ફિક્સ પગારનો અનુભવ ગણાશે માન્ય, પ્રોફેસરોને મળશે ઝડપી બઢતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *