ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું: ચૂંટણી પહેલાં હાઈકમાન્ડ સાથે ભાજપ-AAPને રોકવા ઘડાશે ચક્રવ્યૂહ

 ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાત કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું છે. આજે ગુરુવારે સાંજે 4:30 કલાકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં એક મહત્વની બેઠક યોજાઈ રહી છે, જેમાં ગુજરાત કોંગ્રેસના અસ્તિત્વ અને ભવિષ્યની રણનીતિ અંગે ગહન ચર્ચાઓ થશે.

આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના લગભગ તમામ મોટા ચહેરાઓ હાજર છે, જેમાં શક્તિસિંહ ગોહિલ (પ્રદેશ પ્રમુખ), અમિત ચાવડા (વિધાનસભા પક્ષના નેતા), તુષાર ચૌધરી, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી અને સિદ્ધાર્થ પટેલ જેવા પૂર્વ પ્રમુખો અને સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા.

આ બેઠકનો મુખ્ય એજન્ડા છેલ્લા 6 મહિનામાં ગુજરાત કોંગ્રેસે કરેલી કામગીરીની સમીક્ષા કરવાનો છે. રાહુલ ગાંધીની હાજરીમાં નેતાઓએ પોતાના કામનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવાનું રહેશે. દરેક જિલ્લા અને શહેર માટે અલગ-અલગ ઇલેક્શન કમિટી બનાવવામાં આવશે. સ્થાનિક સ્તરે જ ઉમેદવારોના નામ નક્કી થાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે. સિનિયર નેતાઓને દરેક જિલ્લા અને શહેરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવશે, જેની જાહેરાત આ મહિનાના અંત સુધીમાં થઈ શકે છે.

ગુજરાતમાં હાલ કોંગ્રેસ બેવડા પડકારનો સામનો કરી રહી છે. એકતરફ ભાજપનું મજબૂત સંગઠન છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP) ના પગપેસારાએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું છે. કોંગ્રેસ માટે આ લડાઈ હવે માત્ર સત્તાની નથી, પણ અસ્તિત્વ ટકાવી રાખવાની છે. આંતરિક કકળાટને ડામીને ફરી બેઠા થવા માટે હાઈકમાન્ડ આ વખતે કડક વલણ અપનાવી શકે છે.”

લાંબા સમયથી ગુજરાતમાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લિટમસ ટેસ્ટ સમાન છે. ભાજપની મજબૂતી સામે ટકી રહેવા માટે કોંગ્રેસ હવે ‘માઈક્રો-લેવલ’ પ્લાનિંગ પર ભાર મૂકી રહી છે. આજની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો અને નવી ઉર્જા જોવા મળે છે કે કેમ, તે જોવું રહ્યું.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો : ચાલુ પરીક્ષામાં શાળામાં બોમ્બની ધમકીનો ફોન આવે તો શું કરશો? બોર્ડની પરીક્ષા લેવાયો ગાંધીનગરથી લેવાયો મોટો નિર્ણય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *