કેનેડા સાથેના સંબંધોની નવી શરૂઆત: ટ્રેડ ડીલ પહેલા ભારતના ‘જેમ્સ બોન્ડ’ ડોભાલે કેનેડા સાથે સિક્યોરિટી ડીલ કરી ફાઇનલ

શનિવારે (7 ફેબ્રુઆરી) કેનેડાની રાજધાની ઓટાવામાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને કેનેડાની નથાલી ડ્રોઈન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો સુરક્ષા, કાયદા અમલીકરણ અને નાગરિકોના રક્ષણ જેવા મુદ્દાઓ પર એક કરાર પર સમજૂતી કરી છે. ભારત અને કેનેડાએ રાષ્ટ્રીય સુરક્ષા તથા કાયદા અમલીકરણના મુદ્દાઓ પર પરસ્પર સહયોગ વધારવા માટે એક સંયુક્ત યોજના વિકસાવી છે. બંને દેશો ડ્રગ હેરફેર અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સામે લડવા માટે નજીકથી કામ કરશે અને આ માટે સંપર્ક અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવશે.

આ પ્રયાસોને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારવા તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. વર્ષ 2023માં ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ઉભા થયેલા રાજદ્વારી વિવાદ પછી બંને દેશો સંબંધોને પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યા છે.

NSA અજિત ડોભાલની કેનેડા મુલાકાતનો સમય પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની આવતા મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવે તેવી સંભાવના છે. આ પરિપ્રેક્ષ્યમાં થયેલી બેઠકને રાજદ્વારી સ્તરે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને દેશો સંબંધિત ભારતીય અને કેનેડિયન એજન્સીઓ વચ્ચે કાર્યકારી સંબંધો મજબૂત કરવા સંમત થયા છે. આ અંતર્ગત સંપર્ક અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. જેથી ગેરકાયદેસર ડ્રગ હેરફેર, આંતરરાષ્ટ્રીય ગુના નેટવર્ક અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર સમયસર માહિતીની આપલે શક્ય બને.બંને દેશોએ સાયબર સુરક્ષા, છેતરપિંડી અને ઇમિગ્રેશન અમલીકરણ જેવા મુદ્દાઓ પર પણ સહયોગ વધારવા સંમતતા વ્યક્ત કરી છે. સ્થાનિક કાયદા અને આંતરરાષ્ટ્રીય જવાબદારીઓના માળખા હેઠળ આ ચર્ચાઓ આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *