રાજ્યસભામાં PM મોદીના સંબોધન દરમિયાન વિપક્ષનું વોકઆઉટ:PM બોલ્યા- કોંગ્રેસ પાસે ના વિચાર હતા ના ઈચ્છાશક્તિ, જેનું પરિણામ….

બજેટ સત્રના 7મા દિવસે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરનો આભાર પ્રસ્તાવ હોબાળા વચ્ચે પસાર થઈ ગયો. 2004 પછી પહેલીવાર આ પ્રસ્તાવ વડાપ્રધાનના ભાષણ વગર પસાર થયો છે. આ પહેલા 10 જૂન 2004ના રોજ વિપક્ષે તત્કાલીન PM મનમોહન સિંહને આભાર પ્રસ્તાવ પર બોલવા દીધા નહોતા.
ગુરુવારે લોકસભા શરૂ થતાની સાથે જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બાબતે સ્પીકરે પહેલીવાર 65 સેકન્ડની અંદર, બીજીવાર 5 મિનિટમાં અને ત્રીજીવાર 2 મિનિટમાં કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. લોકસભા બપોરે 3 વાગ્યે ફરી શરૂ થઈ હતી, પરંતુ વિપક્ષના હોબાળાને કારણે તેને શુક્રવાર સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ દરમિયાન લોકસભામાંથી સસ્પેન્ડ થયેલા કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે જ્યાં સુધી લોકસભામાં રાહુલ ગાંધીને પોતાની વાત રાખવાની મંજૂરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી વિપક્ષ પીએમ નરેન્દ્ર મોદીને ગૃહમાં બોલવા દેશે નહીં. રિપોર્ટ્સ મુજબ વડાપ્રધાન આજે સાંજે 5 વાગ્યે રાજ્યસભામાં ભાષણ આપી રહ્યા છે.
કોંગ્રેસ પર પલટવાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, “જૂના વડાપ્રધાનોના લાલ કિલ્લાના ભાષણો જોઈ લો, તેમનું કોઈ વિઝન જ નહોતું. જેના કારણે દેશની આવી હાલત થઈ. દેશને એવી રીતે બરબાદ કર્યો કે આજે દુનિયા સામે તેની છબી સુધારવામાં હું લાગેલો છું.”
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, “ભારતની એવી હાલત કરી દીધી હતી કે કોઈ પણ આપણી સાથે ડીલ કરવા માટે આગળ આવતું નહોતું. તમે પાછળ-પાછળ ગયા હશો પણ કોઈ પાસે આવતું નહોતું.”
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આપણે દુનિયામાં 6ઠ્ઠા નંબરની ઇકોનોમી હતા, પરંતુ આ લોકોએ (વિપક્ષે) એવી હાલત કરી કે તે 11મા નંબર પર પહોંચી ગઈ. પરંતુ હવે આપણે ત્રીજી ઇકોનોમી બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. વિશ્વનું જે પ્રકારે ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું છે, આજે આખા વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. અમારી પાસે દુનિયાની સૌથી મહત્વની યુવા પ્રતિભા (ટેલેન્ટ) છે, જેની પાસે સપના, સંકલ્પ અને સામર્થ્ય બધું જ છે.
PM મોદીએ કહ્યું કે રાષ્ટ્રની દરેક વ્યક્તિ અનુભવી રહી છે કે આપણે એક મહત્વના પડાવ પર પહોંચી ગયા છીએ. આપણે નથી અટકવાનું કે નથી પાછળ વળીને જોવાનું. આપણે આગળની તરફ જોવાનું છે અને જે દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યાં લક્ષ્ય પ્રાપ્ત કરીને જ આપણે જંપવાનું છે.
PM મોદીએ કહ્યું કે મહિલાઓ અને યુવાઓનો વિકાસ સરકારનું લક્ષ્ય છે. દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિનો પડઘો સંસદમાં ગુંજ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષના સભ્યો ગૃહની મધ્યમાં (વેલ) આવીને જોરદાર હોબાળો કરી રહ્યા છે. વિપક્ષી સભ્યો વેલમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વિપક્ષના હોબાળા પર PM મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે, “ખડગેજીની ઉંમરને જોતા તેમને બેઠા-બેઠા પણ સૂત્રોચ્ચાર કરવાની પરવાનગી આપી દેવી જોઈએ.”