રાજકોટમાં વંદે ભારત ટ્રેન સામે સેલ્ફી લેવા લાગ્યા ત્રણ યુવકો, ટ્રેનની ટક્કરથી બેનાં મોત

 રાજકોટની ગોંડલ ચોકડી નજીક હૃદયદ્રાવક ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના મોત થયા હતા. ભક્તિનગર અને રીબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલધારી ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે વંદે ભારત ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવાની ફરજ પડી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.  જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું

ઘટનાને પગલે રેલવે પ્રશાસન અને સ્થાનિક પોલીસની ટીમ પણ સિવિલ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ માત્ર એક અકસ્માત છે કે પછી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ હતો. ઘટનાસ્થળે પંચનામું અને અન્ય જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે વેરાવળ-અમદાવાદ વંદે ભારત ટ્રેન પસાર થઈ રહી હતી. ત્રણ યુવાનો પોતાના મોબાઇલ ફોનથી ગ્રુપ સેલ્ફી લેવા માટે રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા. અંતરનો અંદાજ ન આવતા ત્રણેય જણા ટ્રેનની અડફેટે આવ્યા હતા. 

ઘટનાના પ્રત્યક્ષ દર્શી કુલદીપ કોહરીએ કહ્યું હતું કે અમે સેલ્ફી લેતા હતા ત્યારે સામેથી અચાનક ટ્રેન આવી ગઈ હતી. અમે ચાર યુવાનો પાટા પર સેલ્ફી લેતા હતા. જેમાં હું બચી ગયો,બાકીના ત્રણ મિત્રો અડફેટે આવી ગયા હતા. સંદીપ કોહરી, સંદીપ પટેલનું અકસ્માતમાં મોત થયું હતું જ્યારે કપિલ પટેલ ઈજાગ્રસ્ત થયો હતો. ત્રણેય યુવકો ઉત્તરપ્રદેશના રહેવાસી છે અને રાજકોટમાં ફેક્ટરી કામદાર તરીકે કામ કરતા હતા.અકસ્માત પછી ટ્રેનને થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને લોકોને રેલવે ટ્રેક નજીક સેલ્ફી કે વીડિયો લેવાનું ટાળવા અપીલ કરી છે. ઘાયલ યુવક હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા મૃતકોના આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો મેળવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *