જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ પરિસરને ખાલી કરાવાયું

જૂનાગઢ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી.ધમકી બાદ કોર્ટ પરિસરને ખાલી કરાવાયું છે. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેઈલ આવ્યો હતો કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. મેઈલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પહોચ્યો હતો અને કોર્ટ પરિસર ખાલી કરાવાયું હતું.
ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ કોર્ટનો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલિક આખું કોર્ટ પરિસર ખાલી કરાવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમો પણ બોલાવી લેવામાં આવી હતી. પોલીસે કોર્ટની દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને આસપાસની ઝાડીઓમાં તપાસ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી નથી. બીજી તરફ, જૂનાગઢ સાયબર ક્રાઈમની ટીમે પણ ઈમેઈલના લોકેશનને ટ્રેક કરવા માટે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી મેલનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.