સુનેત્રા પવાર બન્યાં ડેપ્યુટી CM, લીધા શપથ, પ્લેન ક્રેશમાં પતિ અજિત પવારના અવસાન બાદ મળ્યો હોદ્દો

મહારાષ્ટ્રના રાજકારણમાં આજે નવો અધ્યાય ઉમેરાયો છે. આજે અજિત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે એક ઐતિહાસિક અને સંવેદનશીલ ક્ષણ જોવા મળી રહી છે. દિવંગત ઉપમુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ ઉભી થયેલી રાજકીય ખાલી જગ્યાને ભરવા માટે એનસીપી (અજિત પવાર જુટે)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પાર્ટીની વિધાનસભા દળની બેઠકમાં રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને સર્વસંમતિથી નવા નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેના કારણે આજે જ તેમના મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુંબઈના લોક ભવનમાં યોજાયેલી એનસીપી (અજિત જુટ)ની વિધાનસભા દળ બેઠક રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વની રહી. બેઠકની શરૂઆત દિવંગત નેતા અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા સુનીલ તટકરે શોક પ્રસ્તાવ રજૂ કર્યો અને અજિત પવારના રાજકીય યોગદાનને યાદ કર્યું. ત્યારબાદ દિલીપ વલસે પાટિલે વિધાનસભા દળના નવા નેતાની પસંદગી અંગે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને છગન ભુજબળ સહિત તમામ હાજર ધારાસભ્યોએ સમર્થન આપ્યું.

સુનેત્રા પવાર પોતે રાજ્યસભા સાંસદ તરીકે વિધાન ભવન પહોંચ્યા હતા. બેઠકમાં હાજર તમામ ધારાસભ્યોએ એકમતથી તેમને નેતૃત્વ સોંપવાનો નિર્ણય લીધો હતો. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આ નિર્ણય માત્ર સંગઠન માટે નહીં પરંતુ સમગ્ર રાજ્યની રાજનીતિ માટે દિશા નક્કી કરનાર સાબિત થશે. બેઠક પૂર્ણ થયા બાદ એનસીપી તરફથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીને તમામ ધારાસભ્યોના હસ્તાક્ષર સાથેનો ઔપચારિક પત્ર સોંપવામાં આવ્યો હતો.

આ દરમિયાન લોક ભવનમાં શપથગ્રહણ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મંત્રી ચંદ્રશેખર બાવનકુલે, એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે, છગન ભુજબળ, પ્રફુલ્લ પટેલ સહિત ભાજપ અને એનસીપીના અનેક વરિષ્ઠ નેતાઓ લોક ભવન પહોંચ્યા હતા. રાજ્યપાલ દ્વારા સાંજે પાંચ વાગ્યે સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી પદની શપથ લેવડાવવામાં આવ્યા હતા.શપથગ્રહણ પહેલાં એનસીપીના નેતાઓ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ વર્ષા બંગલે પહોંચ્યા હતા, જ્યાં દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ તમામ નેતાઓ અજિત પવારના મુંબઈ સ્થિત નિવાસે પહોંચ્યા હતા જ્યાં સુનેત્રા પવાર હાજર રહ્યા. આ મુલાકાતોને મહાયુતિ સરકારની અંદર રાજકીય સંકલન અને સંદેશ એકતાના પ્રતિક તરીકે જોવામાં આવી રહી છે.

રાજકીય પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો અજિત પવારના અવસાન બાદ એનસીપીના બંને જુટના સંભવિત વિલય અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. વરિષ્ઠ નેતા શરદ પવારે સંકેત આપ્યો છે કે અજિત પવાર પોતાના જીવનકાળમાં બંને જુટો એક થાય તેવી ઇચ્છા રાખતા હતા. આ વચ્ચે અજિત પવારના પુત્ર પાર્થ પવારનું બારામતીમાં શરદ પવારના નિવાસે લાંબું રોકાણ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

કુલ મળીને, સુનેત્રા પવારનો ઉપમુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ માત્ર એક પદભાર નથી, પરંતુ તે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક નવા અધ્યાયની શરૂઆત માનવામાં આવી રહ્યો છે. એક તરફ સંવેદનશીલ પરિસ્થિતિમાં નેતૃત્વ સંભાળવાની જવાબદારી, તો બીજી તરફ પાર્ટી અને સરકારને સ્થિરતા આપવાની અપેક્ષા – આવનારા દિવસોમાં સુનેત્રા પવારની ભૂમિકા પર સમગ્ર રાજ્યની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *