હડકવો ઉપડ્યા પછી યુવક કૂતરા જેવો ચાલવા લાગ્યો! બનાસકાંઠાની ખતરનાક ઘટના

બનાસકાંઠા પાલનપુરના નરાસળ ગામે ભાગીયા તરીકે કામ કરતા એક યુવકમાં હડકવાના લક્ષ્ણો જોવા મળ્યા. આ બાદ યુવકને દોરડાથી બાંધીને પાલનપુર સિવિલમાં લઈ જવાયો. ત્રણ મહિના પહેલા યુવકને શ્વાન કરડ્યું હતું. પરંતુ હડકવા ઉપડ્યા બાદ યુવકે જે કર્યુ તે સૌ કોઈ માટે ચોંકાવનારું હતું. તે રસ્તા પર પ્રાણીઓની જેમ ચાલવા લાગ્યા, તો બરાડો પાડવા લાગ્યો. આખરે હડકડા ઉપડ્યા બાદ શરીરમાં એવું તો શું થાય છે, તે અહેવાલમાં જોઈએ.
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક યુવકને હડકવાની અસરથી ચકચાર મચી છે.પાલનપુરના નળાસર ગામના યુવકને હડકવાની અસર જોવા મળતા ગામમાં ફફડાટ વ્યાપ્યો છે. ત્રણ માસ અગાઉ કુતરુ કરડવાનો ભોગ બનેલા નળાસરના એક ભાગીયાને હડકવાની અસર થઈ છે. ગઈકાલે રાત્રે આ પીડિત યુવકમાં શ્વાનના લક્ષણો દેખાતા ગામમાં અફરા તફરી વચ્ચે પોલીસ અને ગ્રામજનોએ આ પીડીત યુવકને દોરડેથી બાંધી સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.જ્યાં એક બંધ રૂમમાં યુવકને સારવાર અપાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હડકવાના કેશો વધી રહ્યા છે. થોડા સમય અગાઉ વડગામના ઘોડીયાલ ગામે એક યુવકને હડકવાની અસર અને તે બાદ તેનું મોત થયું હતું. તો હવે પાલનપુર તાલુકાના નળાસર ગામે ભાગીયા તરીકે કામ કરતા એક યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા હડકંપ મચ્યો છે. મૂળ વિજયનગર તાલુકાના રહેવાસી અને હાલ પાલનપુર તાલુકાના નળાસર ગામે ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા દેવાભાઈ હરિભાઈ ડુંગરી નામના યુવકને ત્રણ માસ અગાઉ એક કૂતરું કરડ્યું હતું. જોકે કૂતરું કરડ્યાને ત્રણ માસ બાદ ગઈકાલે મોડી રાત્રે આ યુવકને એકાએક હડકવાની અસર ઉપડી અને યુવક કુતરાના લક્ષણો કરતો જોવા મળ્યો અને તેને જ કારણે નળાસર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી.
જો કે તે બાદ પીડીત યુવકના પિતાએ ઘટનાની જાણ પોલીસને કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તે બાદ પોલીસ અને સ્થાનિકોએ આ યુવકને દોરડેથી બાંધી સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો હતો. તેણે દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફે તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ બગડતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો.ભારે જહેમત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યો હતો. હાલ યુવકની સારવાર ચાલુ છે પરંતુ તબીબો જણાવે છે કે હડકવાના આ તબક્કે બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે.
જો તમને કે તમારા આસપાસ કોઈ વ્યક્તિને કૂતરું કે અન્ય કોઈ પ્રાણી કરડે તો આ વાતને ગંભીરતાથી લેજો. નહિ તો તમારા હાલ પણ ખરાબ થશે. કારણ કે, હડકવા એક જીવલેણ વાયરસ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, વિશ્વમાં દર વર્ષે લગભગ 59,000 લોકો હડકવાને કારણે મૃત્યુ પામે છે. ભારતમાં દર વર્ષે મોતનો આંકડો 20,000 છે. ત્યારે હવે હડકવા ઉપડ્યા બાદ માનવોના શરીરમાં શું થાય છે તે જોઈએ.
હડકવા એ વાયરલ ચેપ છે. જે સામાન્ય રીતે કૂતરા, બિલાડી અને વાંદરા જેવા પ્રાણીઓના મનુષ્યોને કરડવાથી થાય છે. ચેપગ્રસ્ત પ્રાણીના કરડવા તેની લાળ ઉઝરડા કે ખુલ્લા ઘાના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં ફેલાય છે. હડકવાનો વાયરસ માનવ મગજ અને નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. જેના બાદ માણસોનું બિહેવિયર બદલાઈ જાય છે. તે બરાડા પાડવા લાગે છે, તો કેટલાક કિસ્સામાં કાબૂ બહાર જતો રહે છે. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો વ્યક્તિ કોમામાં જઈ શકે છે અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
હડકાયેલા કૂતરાના લાળમાં હડકવાના વાયરસ હોય છે, જે ડંખ દ્વારા તમારા શરીરમાં પ્રવેશ કરે છે. વાયરસ તમારી ચેતાઓ દ્વારા મગજ તરફ પ્રવાસ કરે છે. આ પ્રક્રિયામાં અઠવાડિયા કે મહિનાઓ પણ લાગી શકે છે, પરંતુ એકવાર તે મગજમાં પહોંચી જાય પછી, ચેપ જીવલેણ બની જાય છે.
એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, હડકવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. પરંતું તે પ્રાણીઓથી માણસોમાં ફેલાતો વાયરસ છે. આ વાયરસ ઘણીવાર ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી ફેલાય છે. પરંતું તેની મનુષ્યોમાં અસર અતિઘાતક સાબિત થઈ શકે છે. તેથી સમયસર રસી કે સારવાર કરાવી લેવું હિતાવહ છે. તેમજ તમારા પાળતૂ પ્રાણીઓને પણ નિયમિત રસી આપવી જરૂરી છે. પાળતૂ પ્રાણીઓમાં કોઈ લક્ષણો દેખાય તો તેની સમયસર સારવાર પણ કરાવી લેવી.
હડકવા અંગે અનેક માન્યતાઓ પ્રવર્તે છે. જેમ કે, ફક્ત રખડતા કૂતરા જ હડકવા ફેલાવે છે. એવું નથી, જો રસી ન આપવાથી કોઈપણ પાળતૂ પ્રાણી કે કૂતરા હડકવા ફેલાવી શકે છે. નાના ડંખથી કંઈ નહિ થાય તેવી માન્યતા કાઢી નાંખો. કેટલાક કિસ્સામાં નાના ડંક પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ત્રીજું એ કે, પાણી ધોવાથી હડકવો નહિ થાય એ પણ ખોટી માન્યતા છે. પ્રાણી કરડવાથી તાત્કાલિક ડોક્ટરની સારવાર કરાવી લેવી.
તમારું પાળતું શ્વાન બીમાર પડે તો તેની તાત્કાલિક સારવાર કરાવો. અથવા તો રેગ્યુલર સારવાર કરાવતા રહો. નહિ, તો કેટલાક કિસ્સામાં મોડું થઈ જાય છે.