શાળાના વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ ગેલેરીમાં રોજિંદી હેન્ડ્સ-ઓન શૈક્ષણિક પ્રવૃત્તિ – ટેકનિકલ જ્ઞાન સાથે ઉત્સાહભર્યો અનુભવ

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં જ્ઞાનવર્ધન માટે રોબોટિક્સ ગેલેરીમાં ઉપયોગી અને વ્યવહારુ શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સાયન્સ સિટીની મુલાકાતે આવતાં શાળાના વિદ્યાર્થીઓને મૂળભૂત ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઘટકો અંગે હેન્ડ્સ-ઓન પ્રાયોગિક અનુભવ આપવામાં આવી રહ્યો છે.


આ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને મોટર ડ્રાઇવર, લેમ્પ, ઇન્વર્ટર, બજ્ઝર જેવા વિવિધ ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક ઘટકોની કાર્યપ્રણાલી સમજાવવામાં આવે છે. આ માટે તૈયાર કરાયેલ બેઝિક લર્નિંગ કિટના માધ્યમથી વિદ્યાર્થીઓ જાતે ઘટકો જોડીને જોઈ શકે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે સરળ રીતે સમજી શકે છે.


ગુજરાત સાયન્સ સિટીની નિષ્ણાત ટીમ દ્વારા દરરોજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે અને દરેક પ્રયોગ તથા ખ્યાલને સરળ ભાષામાં સમજાવવામાં આવે છે. પરિણામે વિદ્યાર્થીઓ મૂળભૂત ટેકનિકલ જ્ઞાન મેળવવા સાથે વ્યવહારુ અનુભવ પણ મેળવે છે.


આ પ્રવૃત્તિમાં શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને તેઓમાં વિજ્ઞાન તથા ટેકનોલોજી પ્રત્યે રુચિ વધતી જોવા મળી રહી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને તરફથી આ પ્રયાસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે ગુજરાત સાયન્સ સિટીની શૈક્ષણિક મુલાકાત વધુ અર્થપૂર્ણ અને મૂલ્યવાન બની રહી છે.


ગુજરાત સાયન્સ સિટી આવનાર સમયમાં પણ આવી રોજિંદી, ઉપયોગી અને અનુભવ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા સતત પ્રયત્નશીલ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *