રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી રાજકોટના વિદ્યાર્થીનું મોત, નવયુગ સ્કૂલ પર સવાલ

રાજકોટ જિલ્લાના શ્રી નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગીર સાસણનો શૈક્ષણિક પ્રવાસ દુઃખદ ઘટનામાં બદલાઈ ગયો છે. વાસ્તવમાં આ પ્રવાસ દરમિયાન સાસણ ગીર ખાતે આવેલા એક રિસોર્ટમાં બનેલી અકસ્માતની ઘટનામાં સ્કૂલના એક વિદ્યાર્થીનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ મૃતક વિદ્યાર્થીના પરિજનો સહિત શાળા પરિવારમાં પણ શોકનો માહોલ વ્યાપી ગયો છે.
મળતી માહિતી અનુસાર શ્રી નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત ગીર સાસણ ગયા હતા. પ્રવાસ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ ‘ધ ગીર ગેટવે રિસોર્ટ’ ખાતે રોકાયા હતા. તે સમયે વિદ્યાર્થી હાર્દિક બારૈયા રિસોર્ટના સ્વિમિંગ પૂલ પાસે ગયો હતો. નાહવા માટે પાણીમાં ઉતરતા જ તે અચાનક પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સાથે રહેલા શિક્ષકોએ તાત્કાલિક હાર્દિકને પૂલમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેની હાલત ગંભીર જણાતાં તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ તરફ દુઃખદ ઘટનાથી સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. સાથે જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં રહેલી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. હાલ આ બનાવને અકસ્માતે મોત તરીકે ગણાવી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ શાળા પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને યોગ્ય દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.