CM ભૂપેન્દ્ર પટેલ, Dy.CM હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા દિલ્હી પહોંચ્યા, કઇંક મોટું થશે ?

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડયું છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અચાનક દિલ્હી પહોંચ્યા છે. સૂત્રો મુજબ આ ત્રણેય નેતાઓ દિલ્હીમાં ભાજપના શીર્ષ નેતૃત્વ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરશે. જોકે હજી સુધી તેઓ કયા મુદ્દે દિલ્હી પહોંચ્યા છે તેને લઈ કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી.
રાજકીય સૂત્રો મુજબ આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારની કામગીરી, વિકાસ યોજનાઓની પ્રગતિ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપમાં બાકી રહેલી સંગઠનાત્મક નિયુક્તિઓને લઈને વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને પ્રદેશ ભાજપમાં મંડળ, જિલ્લા અને અન્ય સંગઠનાત્મક માળખાંને મજબૂત બનાવવા માટે નિર્ણયો લેવાઈ શકે છે.
આ ત્રણેય નેતાઓની સાથે-સાથે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે, જેના કારણે આ બેઠકને વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો અથવા નવી નિયુક્તિઓની જાહેરાત થઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે.