સુભાષબ્રિજમાં ક્ષતિ બાદ હવે સફાળું જાગ્યું AMC તંત્ર! લેવાયો મોટો નિર્ણય

મેટ્રોસિટી અમદાવાદના જૂના બ્રિજોને લઈ હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં સુભાષબ્રિજમાં ક્ષતિ સામે આવ્યા બાદ AMC સહિતનાં તમામ વિભાગો હરકતમાં આવી ગયા છે. આ તરફ હવે તંત્રએ શહેરભરના જુના બ્રિજોની સમીક્ષા કરી અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં નદી પર આવેલા જૂના બ્રિજ, રેલવે બ્રિજ તેમજ ફ્લાયઓવર બ્રિજ પર હવે હાઇટ બેરિયર લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે.
અમદાવાદમાં જૂના બ્રિજો પર હાઇટ બેરિયર લગાડવાનો મુખ્ય હેતુ ભારે વાહનોની અવરજવર નિયંત્રિત કરવાનો છે. નોંધનીય છે કે, શહેરના ઘણા જૂના બ્રિજ પર હેવી વાહનો પસાર થતા ત્યાંના લોડ સહનક્ષમતા ઉપર અસર થતી હતી, જેના કારણે બ્રિજોની હાલત પર નકારાત્મક પ્રભાવ પડતો હતો.
નોંધનીય છે કે, લાંબા સમયથી કેટલાક જૂના બ્રિજ ઉપર ક્ષમતાથી વધુ લોડ આવતાં બ્રિજની સ્ટ્રક્ચરલ સેફ્ટી જોખમમાં મુકાઈ રહી હતી. હેવી વાહનોના સતત આવાગમનથી બ્રિજના ગર્ડર, કોલમ અને ડેક પર તણાવ વધતો હતો. આ કારણે સમય કરતાં વહેલી તકે ક્ષતિ સર્જાવાની શક્યતાઓ વધી રહી હતી.
જોકે હવે AMC દ્વારા નક્કી કરેલા નવા નિયમ મુજબ નદી ઉપરના તમામ જૂના બ્રિજ, રેલવે ટ્રેક પાસેના બ્રિજ અને શહેરના મુખ્ય ફ્લાયઓવરો પર સુધારેલ હાઇટ બેરિયર લાગશે. આમ કરવાથી નિશ્ચિત ઊંચાઈથી વધુના વાહનો આપમેળે પ્રવેશી ન શકે. આ નિર્ણય બાદ ભારે વાહનો માટે વિકલ્પ રૂટ નક્કી કરવામાં આવશે અને ટ્રાફિક વિભાગ સાથે સમન્વય કરી નવા માર્ગ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે.