
મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ (સમુદ્ર ધુની) પરના સતત ટેન્શન વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષા માટે એક મોટો અને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હવે ભારતને ક્રૂડ કે ગેસ માટે હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે. ભારતમાં ઉર્જાનો સપ્લાય ખોરવાય નહીં અને દેશને સતત ગેસ મળતો રહે તે માટે અરબી સમુદ્રના તળિયે ઓમાનથી લઈને સીધી ગુજરાત સુધી આશરે 2,000 કિલોમીટર લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન નાખવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રોજેક્ટથી ભારતને સીધો અને સુરક્ષિત નેચરલ ગેસ મળશે.
દુનિયાભરમાં હાલ જે રીતે ભૌગોલિક રાજનીતિ બદલાઈ રહી છે, તેને જોતા ભારતે પોતાના ગેસ અને તેલના સપ્લાયને સુરક્ષિત કરવા કમર કસી છે. તમને જણાવી દઈએ કે, ઓમાન-ગુજરાત ડીપ-સી (ઊંડા સમુદ્રની) ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનો વિચાર આજકાલનો નથી, પણ છેલ્લા 30 વર્ષોથી તેની ચર્ચા ચાલી રહી છે. અગાઉ મોટા ખર્ચ અને ટેકનિકલ મુશ્કેલીઓના કારણે આ પ્રોજેક્ટ કાગળ પર જ રહ્યો હતો. સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઇઝ (SAGE) કંપની વર્ષોથી આ પ્રોજેક્ટ પાછળ મહેનત કરી રહી છે અને તેઓ દરિયાના તળિયાનો ટેકનિકલ અને નાણાકીય સર્વે પણ કરી ચૂક્યા છે.
આ ઐતિહાસિક પ્રોજેક્ટ પાછળ આશરે ₹40,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ દુનિયાનો સૌથી ઊંડો દરિયાઈ માર્ગ હશે, જેના દ્વારા ઓમાનથી સીધો કુદરતી ગેસ ભારતના પશ્ચિમ કિનારે એટલે કે ગુજરાતમાં પહોંચશે. આ પાઇપલાઇન બની જવાથી ગલ્ફ દેશો અને ભારત વચ્ચે સીધો અને સુરક્ષિત માર્ગ બની જશે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ જેવા જોખમી દરિયાઈ માર્ગો પર ભારતની નિર્ભરતા સાવ ખતમ થઈ જશે.
ભારત માટે આ પ્રોજેક્ટ આટલો મહત્વનો કેમ છે?
આપણે ત્યાં મોટાભાગનું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ (ખાસ કરીને LNG) વિદેશથી જ આવે છે. આ સપ્લાયનો મોટો હિસ્સો ગલ્ફ દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટ થઈને જ ભારતમાં પ્રવેશે છે. જો આ માર્ગમાં કોઈ યુદ્ધ કે ટેન્શન ઊભું થાય, તો તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ અને ઇંધણના ભાવો પર પડે છે.
હાલમાં જહાજો મારફતે જે LNG આવે છે, તેને પહેલા પ્રવાહી બનાવવો પડે અને ભારતમાં આવ્યા બાદ ફરી ગેસમાં ફેરવવો પડે છે, જેમાં ઘણો ખર્ચ થાય છે. પાઇપલાઇન આવવાથી આખી ઝંઝટ ખતમ થશે અને ગેસ સીધો ભારત પહોંચશે. મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે જહાજોની સુરક્ષા અને ગેસના ભાવમાં થતી વધઘટને પગલે આ પાઇપલાઇન પ્રોજેક્ટમાં ભારતનો રસ ફરી જાગ્યો છે.
સરકારે શરૂ કરી દીધી છે તૈયારીઓ
તાજેતરમાં જ પેટ્રોલિયમ મંત્રાલયે GAIL, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ (IOCL) જેવી સરકારી કંપનીઓને આ પ્રોજેક્ટનો ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા માટે સૂચના આપી દીધી છે. રિપોર્ટ આવ્યા બાદ સપ્લાય અને ફાઇનાન્સિંગ અંગે ઓમાન સરકાર સાથે સત્તાવાર વાટાઘાટો શરૂ થશે.
આ પાઇપલાઇનનો અમુક ભાગ તો દરિયામાં 3,000 મીટર (3 કિમી) ની ઊંડાઈએ નાખવામાં આવશે. આ પ્રોજેક્ટથી ભારતને ઉર્જાના નવા સ્ત્રોત મળશે અને ઓમાનને કાયમી ગ્રાહક મળશે. દરખાસ્ત મુજબ, આ પાઇપલાઇન દ્વારા ગેસ લાવવાનો શિપિંગ ખર્ચ પ્રતિ mmBtu માત્ર $2 થી $2.25 જેટલો જ આવશે, જે લાંબા ગાળે ભારત માટે ઘણો ફાયદાકારક સાબિત થશે.
