
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના પગલે લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 ની હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જેનું કેન્દ્ર પાલનપુરથી 31 કિમી ઉત્તર પૂર્વમાં હતું.
શનિવારે રાત્રે 9.03 વાગ્યે ગુજરાત-રાજસ્થાન સરહદની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાલનપુરથી 31 કિમી ઉત્તર પૂર્વમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના પગલે લોકો ગભરાઈને પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, બંને રાજ્યોના કોઈપણ વિસ્તારમાંથી જાનમાલના નુકસાનની કોઈ માહિતી મળી નથી. પરંતુ રક્ષાબંધન હોવાનાં કારણે પરિવારો ભેગા થયા હતા. તેવામાં ભૂકંપ આવતા નાસભાગ મચી ગઇ હતી.
રાજસ્થાનમાં પણ માઉન્ટ આબુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગિરવાર, અકરાબટ્ટા, માનપુર સહિત અનેક સ્થળોએથી લોકોએ ભૂકંપની પુષ્ટિ કરી હતી. માઉન્ટ આબુના એસડીએમ ડૉ. અંશુ પ્રિયાએ જણાવ્યું હતું કે ભૂકંપ લગભગ 9.03 વાગ્યે અનુભવાયો હતો. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. અગાઉ 7 ઓગસ્ટે રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારમાં 3.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ વાતની પુષ્ટિ કરી હતી.
