
બિહારના રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. નવા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વ હેઠળની NDA સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું, જેમાં કુલ 32 નવા મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશના અનેક મોટા રાજકીય નેતાઓ હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાજ્યપાલ સૈયદ અતા હસનૈનએ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમજ પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત NDAના અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મંત્રીમંડળમાં NDAના તમામ મુખ્ય સાથી પક્ષોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. તેમાં BJP, JDU, LJPV, HAM અને RLMના નેતાઓને સ્થાન અપાયું છે. ખાસ વાત એ રહી કે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર Nishant Kumarએ પણ પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લીધા, જેના કારણે બિહારના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. મંત્રીમંડળમાં અનુભવી તેમજ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. વિજય સિંહા, દિલીપ જયસ્વાલ, શ્રવણ કુમાર, અશોક ચૌધરીઅને લેસી સિંઘ જેવા નેતાઓને ફરીથી મંત્રીપદ આપવામાં આવ્યું છે. સાથે જ રામકૃપાલ યાદવ, નીતિશ મિશ્રા, મદન સાહની, સંતોષ કુમાર સુમન અને ભગવાન સિંહ કુશવાહા સહિતના નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા.
રાજકીય વિશ્લેષકોના મતે, મંત્રીમંડળમાં પ્રાદેશિક અને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ જાતિ અને વિસ્તારોના પ્રતિનિધિઓને સ્થાન આપીને NDAએ આગામી રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખ્યા હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે, ગયા મહિને રાજ્યસભામાં ચૂંટાયા બાદ નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ સમ્રાટ ચૌધરીને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. હવે મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવી સરકાર સંપૂર્ણ રીતે કાર્યરત બની ગઈ છે.
પટનાના ગાંધી મેદાનમાં રત્નેશ સદા, કુમાર શૈલેન્દ્ર, શીલા કુમારી, કેદાર પ્રસાદ ગુપ્તા, લખેન્દ્ર કુમાર રોશન, ભગવાન સિંહ કુશવાહા, અરુણ શંકર પ્રસાદ, મદન સાહની, ડૉ. સંતોષ કુમાર સુમન, રામા નિષાદ, રામ કૃપાલ યાદવ, નીતીશ મિશ્રા, દામોદર કુમાર સિંહા, સંજા કુમાર રાવા, કુમારસિંહ રાઠવા વગેરે હાજર રહ્યા હતા. શ્રવણ કુમાર, નિશાંત કુમાર, દિલીપ જયસ્વાલ, લેશી સિંહ, સુનીલ કુમાર, શ્રેયસી સિંહ, મોહમ્મદ જામા ખાન, નંદ કિશોર રામ, શૈલેષ કુમાર ઉર્ફે બુલો મંડલ, પ્રમોદ કુમાર અને અન્યોએ પદના શપથ લીધા.
