
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક ખૂબ જ મહત્વના અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. એક તરફ સરકારે ખેડૂતોને મોટી ભેટ આપતા વર્ષ 2026-27ની સીઝન માટે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં નોંધપાત્ર વધારો કર્યો છે. તો બીજી તરફ ગુજરાત માટે મોટી જાહેરાત કરતા, અમદાવાદ (સરખેજ) થી ધોલેરા વચ્ચે ₹20667 કરોડના ખર્ચે દેશની પહેલી સેમી-હાઈ-સ્પીડ ડબલ-લાઈન રેલ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે ₹37500 કરોડના ખર્ચે કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને પણ કેબિનેટે પાસ કરી દીધો છે.
ખેડૂતોની આવક વધારવા અને તેમને પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે 14 ખરીફ પાકોના MSP વધારવામાં આવ્યા છે. આ વખતે સૌથી મોટો ફાયદો સૂર્યમુખી પકવતા ખેડૂતોને થશે, કારણ કે તેના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹622 નો જંગી વધારો કરાયો છે. ત્યારપછી કપાસના ભાવમાં ₹557, નાઈજરસીડમાં ₹515 અને તલના ભાવમાં ₹500 નો પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત માટે સૌથી રોમાંચક સમાચાર એ છે કે હવે અમદાવાદથી ધોલેરા વચ્ચે ટ્રેનની મુસાફરી ખૂબ જ ઝડપી અને હાઈ-ટેક બનશે. આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ ભારતીય રેલવેનો દેશનો આવો પહેલો સેમી-હાઈ-સ્પીડ પ્રોજેક્ટ હશે, જે સંપૂર્ણપણે આપણી સ્વદેશી ટેકનોલોજીથી તૈયાર થશે. આ નવી રેલ લાઈન અમદાવાદને ધોલેરા SIR, નવા બની રહેલા ધોલેરા એરપોર્ટ અને લોથલના નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ સાથે સીધું જોડી દેશે. આનાથી લોકોનો મુસાફરીનો સમય બચશે અને તેઓ એક જ દિવસમાં સરળતાથી આવ-જા કરી શકશે.
આ સાથે જ સરકારે ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ₹37500 કરોડના કોલસા ગેસિફિકેશન પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. અશ્વિની વૈષ્ણવે સમજાવ્યું હતું કે ભારત પાસે આગામી 200 વર્ષ સુધી ચાલે તેટલો કોલસાનો વિશાળ ભંડાર છે. હવે આ જ કોલસામાંથી સીધો ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. ત્યારબાદ આ ગેસનો ઉપયોગ ખાતર બનાવવા, વીજળી પેદા કરવા અને વિવિધ પ્રકારના ઉપયોગી રસાયણો બનાવવા માટે કરવામાં આવશે. ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિઓને જોતા દેશને ગેસ અને ઊર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા તરફ આ એક બહુ મોટું પગલું છે.
આજકાલ નાની ઉંમરે જ Fatty Liver, Thyroid અને Diabetes જેવી સમસ્યાઓ કેમ વધી રહી છે? – https://www.instagram.com/reel/DYP6FvNOjif/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
