Site icon Time News

250 સિરામિક ફેક્ટરીઓ બંધ, ગેસની અછતના પગલે મોરબીના સિરામિક ઉદ્યોગને મોટી અસર

ઇરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે હવે મોરબીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના મોરબી શહેરને દેશના સૌથી મોટા સિરામિક ઉદ્યોગ કેન્દ્રોમાંથી એક માનવામાં આવે છે. પરંતુ હાલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ગેસની અછતના કારણે અહીંનો ઉદ્યોગ ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. પ્રોપેન ગેસ ન મળતા શહેરની આશરે 250 જેટલી સિરામિક ફેક્ટરીઓ બંધ કરવાની ફરજ પડી છે.

મહત્વનું છે કે, સિરામિક ટાઇલ્સ અને અન્ય ઉત્પાદનો બનાવવા માટે પ્રોપેન ગેસ ખૂબ જરૂરી માનવામાં આવે છે. ફેક્ટરીઓમાં ભઠ્ઠીઓને સતત ગરમ રાખવા માટે આ ગેસનો ઉપયોગ થાય છે. પરંતુ હાલ ગેસની સપ્લાયમાં ખલેલ પડતા ઘણી ફેક્ટરીઓએ ઉત્પાદન તાત્કાલિક બંધ કરી દીધું છે. ઉદ્યોગકારો કહે છે કે જો ગેસની સમસ્યા ઝડપથી ઉકેલાશે નહીં તો આગામી દિવસોમાં વધુ ફેક્ટરીઓ પણ બંધ થવાની શક્યતા છે.

ફેક્ટરીઓ બંધ થતાં સૌથી વધુ અસર ત્યાં કામ કરતા મજૂરો પર પડી છે. ઘણા મજૂરો અન્ય રાજ્યોમાંથી રોજગાર માટે મોરબી આવ્યા હતા. હવે કામ બંધ થતાં તેઓ પોતાના વતન પરત જવા લાગ્યા છે. શહેરના રેલવે સ્ટેશન પર ટ્રેનની ટિકિટ બુક કરાવવા માટે મજૂરોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સિરામિક ઉદ્યોગ મોરબીની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધાર છે. હજારો લોકો સીધા અને પરોક્ષ રીતે આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે જો ગેસ પુરવઠો વહેલી તકે સામાન્ય નહીં બને તો ઉત્પાદન લાંબા સમય માટે અટકી શકે છે, જેનાથી રોજગારી અને વેપાર બંને પર મોટી અસર પડી શકે છે.

Propane એક પ્રકારનો જ્વલનશીલ ગેસ છે જે પેટ્રોલિયમ અથવા કુદરતી ગેસમાંથી મેળવવામાં આવે છે. તેને Liquefied Petroleum Gas (LPG)નો મહત્વનો ભાગ માનવામાં આવે છે. પ્રોપેન ગેસ ઝડપથી સળગે છે અને વધુ ગરમી આપે છે, તેથી તે ઔદ્યોગિક ઉપયોગ માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. પ્રોપેન ગેસના મુખ્ય ઉપયોગ સિરામિક અને ટાઇલ્સ ઉદ્યોગમાં ભઠ્ઠીઓ ગરમ કરવા, હોટલ અને રેસ્ટોરન્ટમાં રસોઈ માટે, ઘરગથ્થુ LPG ગેસમાં ઉપયોગ, ઔદ્યોગિક હીટિંગ સિસ્ટમમાં, કૃષિ અને કેટલીક મશીનોમાં ઈંધણ તરીકે થાય છે. તેના ઊંચા તાપમાન અને કાર્યક્ષમતા કારણે ઘણા ઉદ્યોગો માટે પ્રોપેન ગેસ ખૂબ જરૂરી બની જાય છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:આ 3 કારણોથી રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, સેન્સેક્સ 1342 પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી 23866 પર બંધ 

Exit mobile version