Site icon Time News

સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું

 સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવડી ગામમાં 23 વર્ષીય યુવતીની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટેકરી ફળિયામાં રહેતી 23 વર્ષીય યુવતી  નિધિ પટેલ ઘરે એકલી હતી ત્યારે અજાણ્યા શખ્સો તેના ઘરમાં ઘૂસ્યા હતા અને તેના બંને હાથ બાંધી ગળું દબાવી હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટના બાદ ઘરમાંથી દાગીના ચોરાયા હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જેને પગલે હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

દરમિયાન નિધિ ઘરે એકલી હતી. રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી યુવતીને નિશાન બનાવી હોવાની આશંકા છે. સવારે યુવતીની હત્યાની જાણ થતાં પરિવારજનો અને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.

 હાથ બાંધી ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા

ઘરમાંથી નિધિ પટેલનો મૃતદેહ હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના ગળા પર ઇજાના નિશાન મળી આવ્યા છે. યુવતીનું ગળું દબાવવા માટે ચાર્જરના વાયરનો ઉપયોગ કરાયો હોવાની પણ માહિતી સામે આવી છે. જોકે, હત્યાની ચોક્કસ રીત અને ઘટનાક્રમ પોસ્ટમોર્ટમ તથા ફોરેન્સિક તપાસ બાદ વધુ સ્પષ્ટ થશે ઘરમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી દાગીના ચોરાયા હોવાનું સામે આવ્યું છે. તેથી હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હતી કે પછી હત્યા બાદ ચોરી કરવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઘરમાંથી કેટલો મુદ્દામાલ ગાયબ થયો છે તેની પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માંડવી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. સુરત જિલ્લા LCB સહિતની ટીમોએ પણ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ડોગ સ્ક્વોડની મદદથી પણ આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હત્યાની પાછળનું ચોક્કસ કારણ શું હતું, ઘટનામાં કેટલા લોકો સામેલ હતા અને લૂંટ સાથે હત્યાનું કનેક્શન શું છે તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં પૂછપરછ તેમજ અન્ય જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.  પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. 

Exit mobile version