
ગુજરાતમાં GST લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં 145 ટકાનો વધારો થયો હતો. છેલ્લા 8 વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને 12.66 લાખને પાર પહોંચી હતી. રાજ્યમાંથી વર્ષ 2024-25માં 1,36,748 કરોડ રૂપિયાની GST આવક થઇ હતી જે ગત વર્ષ કરતા 11,579 કરોડ રૂપિયા વધુ છે. SGST-IGSTના માધ્યમથી રાજ્યને વર્ષ 2024-25માં 73,200 કરોડ રૂપિયાની આવક થઇ હતી. નિર્ધારિત સમયમર્યાદામાં GSTR-3B અને GSTR-1 રિટર્ન ભરવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. કી પર્ફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPI)માં ગુજરાત 71.69 પોઈન્ટ્સ સાથે દેશમાં દ્વિતીય સ્થાને છે.
એક સમય હતો જ્યારે ગુજરાતમાં વેટ (VAT), CST, ઓક્ટ્રોય, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ અને કેન્દ્રીય આબકારી જકાત જેવા ઘણા બધા કર (ટેક્સ) અમલમાં હતા. આ સિસ્ટમ ખૂબ જ જટીલ હતી, જેનાથી વેપારીઓને ટેક્સ ભરવામાં અનેક મુશ્કેલીઓ ઉદ્ભવતી હતી. ખાસ કરીને વિવિધ રાજ્યોના અલગ-અલગ ટેક્સ રેટ અને નિયમો ઉપરાંત ‘ટેક્સ પર ટેક્સ’ (કેસ્કેડિંગ ઇફેક્ટ)ને કારણે વસ્તુઓ મોંઘી બનતી હતી અને વેપારમાં અવરોધો આવતા હતા. ગુજરાત જેવા નિકાસલક્ષી અને વેપાર-આધારિત રાજ્ય માટે આ પડકાર વધુ વિકટ હતો.
આ પડકારનો સામનો કરવા અને દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક જૂલાઇ 2017ના રોજ ભારતમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ભારતમાં વસ્તુની ખરીદી કે સેવા મેળવવા પર માત્ર એક જ – GST કર લાગુ કરવામાં આવ્યો, જ્યારે અન્ય કરને નાબૂદ કરવામાં આવ્યા હતા. “એક રાષ્ટ્ર, એક કર”ના સિદ્ધાંત સાથે GSTએ કર પ્રણાલીને સરળ બનાવી, કરચોરી ઘટાડી અને વ્યાપાર કરવામાં સરળતા લાવવાનો માર્ગ મોકળો કર્યો છે.
GST લાગુ થતા વેપારીઓ અને ગ્રાહકો માટે કરની ગણતરી અને તેને ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની છે. આ ઐતિહાસિક કર સુધારણાના કારણે છેલ્લા 8 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર રીતે વધ્યું છે. GSTએ ગુજરાતને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને ગતિશીલ અર્થતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
