હવે તમારા કોમ્પ્યુટર પર પણ સરકાર રાખશે નજર, 10 એજન્સીને આપ્યો તપાસનો અધિકાર
કેન્દ્ર સરકારે 10 મુખ્ય અને ખાનગી એજન્સીઓને કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાના કોમ્પ્યૂટરમાં આવેલા ડેટા તપાસવાનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. દેશની સુરક્ષા માટે આ નિર્ણય મહત્વનો માનવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના પ્રમાણે, મહત્વની એજન્સીઓ કોઈ પણ વ્યક્તિના કોમ્પ્યૂટરમાંથી જેનરેટ, ટ્રાન્સમિટ અથવા રિસીવ થયેલા અને તેમાં સ્ટોર કરવામાં આવેલા કોઈ પણ દસ્તાવેજોને જોઈ શકે છે. આ અધિકાર આઈટી એક્ટની કલમ-69 અંર્તગત આપવામાં આવ્યો છે. કોંગ્રેસે આ વિશે કહ્યું છે કે, આ વખતે મોદી સરકાર પ્રાઈવેસી પર પ્રહાર કરી રહી છે.
ગૃહ વિભાગે નોટિફિકેશન પ્રમાણે દરેક સબ્સક્રાઈબર, સર્વિસ પ્રોવાઈડર અથવા કોમ્પ્યૂટર રિસોર્સ સાથે જોડાયેલા વ્યક્તિઓએ જરૂર પડે ત્યારે તપાસ એજન્સીઓનો સહયોગ કરવો પડે છે. એવું ન કરવાથી 7 વર્ષની સજા અને દંડ થઈ શકે છે.
આ નિર્ણય પછી રાજ્યસભામાં વિપક્ષે હોબાળો કરતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આ વિશે જવાબ આપ્યો હતો. જેટલીએ કહ્યું હતું કે, આ નિર્ણયથી સામાન્ય લોકોના જીવન પર કોઈ અસર નહીં થાય. આ નિર્ણયથી સામાન્ય લોકો પર નજર રાખવાની કોઈ વાત નથી. આ નિયમ 2009માં બનાવવામાં આવ્યો હતો અને સમયાંતરે આ પ્રમાણેના આદેશ જાહેર કરવામાં આવે છે જેમાં એજન્સીઓની નિમણૂક કરવામાં આવે છે. વિપક્ષ દ્વારા આ વાતને રાઈના પહાડ જેવી બનાવવામાં આવી રહી છે.
આ એજન્સીઓ કરી શકે છે તમારા કોમ્પ્યુટરની તપાસ
– ઈન્ટેલિજન્સ બ્યૂરો
– નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો
– ED
– સેન્ટ્રેલ બોર્ડઓફ ડાયરેક્ટ ટેક્સ
– ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ
– સીબીઆઈ
– એનઆઈએ
– કેબિનેટ સચિવાલય
– ડિરેક્ટોરેટ ઓફ સિગ્નલ ઈન્ટેલીજન્સ
– દિલ્હી પોલીસ કમિશ્નર