ફેસબુકના એક્ટિવ યુઝર્સમાં આટલા લાખનો ઘટાડો, માર્કેટ વેલ્યૂ 15 લાખ કરોડ ઘટી

ફેસબુકને તેના લૉન્ચિંગનાં 18 વર્ષ પૂરાં થવાના એક દિવસ પહેલાં જ ભારે આંચકો લાગ્યો છે. મૂળ કંપની મેટા દ્વારા જારી ત્રિમાસિક રિપોર્ટ મુજબ, ફેસબુકે 2021ના છેલ્લા 3 મહિનામાં 10 લાખ એક્ટિવ યુઝર ગુમાવ્યા છે. 4 ફેબ્રુઆરી, 2004ના રોજ શરૂઆત, 2009થી એક્ટિવ યુઝર્સનો આંકડો જાહેર કરવા અને 2012માં શેરબજારમાં લિસ્ટિંગ થયા બાદ પહેલીવાર ફેસબુકે આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.
આ ખુલાસા બાદ ગુરુવારે થોડા કલાકોના ટ્રેડિંગમાં જ કંપનીના શેરના ભાવમાં 24% ઘટાડો જોવાયો. માર્કેટ વેલ્યૂ 15 લાખ કરોડ રૂ. ઘટી ગઇ છે. કંપનીનું કહેવું છે કે આ નિરાશાજનક પરિણામો માટે ઓટીટી પ્લેટફોર્મ્સ પણ જવાબદાર છે. મેટાને 2021ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં 77,250 કરોડ રૂ.નો નફો થયો હોવા છતાં ડેઇલી યુઝર્સ ધારણા પ્રમાણે ન વધી શક્યા.
ઓક્ટોબરના અંતમાં નામ બદલીને મેટાવર્સ રાખ્યા બાદ કંપનીનું આ પહેલું રિઝલ્ટ છે. ધારણાથી ઓછી કમાણી માટે કંપનીએ એપલને પણ જવાબદાર ગણાવી છે. તેનું કહેવું છે કે એપલે પ્રાઇવસી રુલ્સમાં ફેરફાર કરતા પણ સમસ્યા થઇ છે. તેનાથી ઇન્સ્ટાગ્રામ પર ઍડ. માટે યુઝર્સને ટાર્ગેટ કરવાનું મુશ્કેલ બન્યું છે.
કંપનીએ જણાવ્યું કે ટિકટૉક અને યુટ્યૂબે પણ તેના માટે પડકાર ઊભા કર્યા છે. મેટાની સીઇઓ શેરિલ સેન્ડબર્ગે કહ્યું કે ટિકટૉકના મુકાબલા માટે ઇન્સ્ટાગ્રામ વીડિયો પ્રોડક્ટ રીલનો મોટા પાયે પ્રચાર કરાઇ રહ્યો છે પણ તેનાથી સ્ટોરીઝ અને મેઇન ફોટો ફીડ ફીચર જેટલી કમાણી નથી થઇ રહી.
બીજી તરફ ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટે સમાન ગાળામાં નફામાં 36% અને રેવન્યૂમાં 32% વૃદ્ધિ નોંધાવી છે જ્યારે ટિકટૉકે ગત સપ્ટે.માં દાવો કર્યો હતો કે તેના પ્લેટફોર્મ પર 100 કરોડ યુઝર્સ થઇ ગયા છે. ઍપટોપિયાના જણાવ્યા મુજબ, 2021માં તે સૌથી વધુ ડાઉનલોડ થનારી ઍપ રહી. ડિજિટલ કન્સલ્ટન્સી ફર્મ પબ્લિસિસ સેપિયન્ટના એનાલિસ્ટ રાજ શાહનું કહેવું છે કે મેટાવર્સ માટે આ રિયાલિટી ચેકનો સમય છે. કંપનીએ નફાકારક સ્થિતિમાં આવવા અને રેવન્યૂ ગેપ દૂર કરવા નવેસરથી રણનીતિ ઘડવી પડશે.અમેરિકી સંસદ પર હુમલાની ઘટનામાં ફેસબુક સામે નફરત ફેલાવવાનો આક્ષેપ થયો. વેક્સિન અંગે ખોટી માહિતીઓ રોકવામાં ફેસબુક નિષ્ફળ રહી. કોરોના મહામારી અંગેની ખોટી પોસ્ટ્સ પણ ન હટાવાઇ. મ્યાનમાર નરસંહાર માટે રોહિંગ્યાઓએ કંપની સામે હેટ સ્પીચના આક્ષેપ સાથે 11 લાખ કરોડનો કેસ કર્યો હતો. ફ્રાન્સેસ હોગૈનના ખુલાસાથી માલૂમ પડ્યું કે યુવા યુઝર્સ પર ખોટા પ્રભાવની માહિતી હોવા છતાં કંપનીએ કંઇ જ ન કર્યું. ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ શૅરિંગ પર રોક અને ટ્રમ્પને બૅન કરવા બદલ સખત ટીકા થઇ. એક્સપર્ટ્સનું માનવું છે કે કંપની માટે હવે વાપસી પડકારજનક બની રહેશે.