
ગુજરાતમાં થોડા દિવસ વિરામ લીધા બાદ મેઘરાજા ફરી મેઘમહેર કરવાના મૂડમાં છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ અને ઓડિશા તરફ આગળ વધતી સિસ્ટમને પગલે રાજ્યમાં આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુરુવારે(16 જુલાઈ) અમદાવાદમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળવાની છે, ત્યારે વરસાદની આગાહીને પગલે રથયાત્રામાં મેઘરાજા જગન્નાથજી પર જળાભિષેક કરે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી 21 જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ સહિતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે. તેવામાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
