કેમ બાંધવામાં આવે છે હાથમાં નાડાછડી, આ છે તેનું મહત્વ
શુભ કાર્યની શરૂઆત કે પછી પૂજા કરવાની હોય તો સૌથી પહેલા કપાળ પર તિલક અને પછી જમણા હાથના કાંડા પર રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્ર લાલ રંગનું હોય છે જેને નાડાછડી પણ કહેવાય છે. રક્ષાસૂત્ર બાંધવાની પરંપરા ભગવાન વામને શરૂ કરી હતી. તેમણે દાનવીર એવા મહારાજ બલિને અમરત્વના આશીર્વાદ સાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું.
નાડાછડી બાંધવાથી ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને ત્રણેય દેવીઓની કૃપા પ્રાપ્ત થાય છે. રક્ષાસૂત્ર બાંધવાથી અનુષ્ઠાન કે પૂજાની બાધા દૂર થઈ જાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ રક્ષાસૂત્રનું ખાસ મહત્વ છે. કાંડા પર નાડાછડી બાંધવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. તેનું કારણ છે કે શરીરની સંરચનાનું નિયંત્રણ હાથના કાંડામાં હોય છે. તેથી તેના પર રક્ષાસૂત્ર બાંધવામાં આવે તો બ્લડ પ્રેશર, હૃદય સંબંધિત બીમારી, ડાયાબીટીસ જેવી સમસ્યામાં રાહત મળે છે.
પુરુષો અને અવિવાહિત કન્યાઓએ નાડાછડી જમણા હાથના કાંડા પર બાંધવી જોઈએ. જ્યારે વિવાહિત સ્ત્રીઓના ડાબા હાથના કાંડા પર નાડાછડી બાંધવાની હોય છે. જે કાંડા પર નાડાછડી બાંધવાની હોય તેની મુઠ્ઠી વાળી રાખવી અને બીજો હાથ માથા પર રાખવો. પૂજા સમયે બાંધવામાં આવેલી નાડાછડી મંગળવાર અથવા શનિવારે ઉતારવી જોઈએ.
તિજોરી, ગલ્લા, મુખ્ય દરવાજા પર નાડાછડી બાંધવાથી લાભ થાય છે. ઘરમાં પણ અનેક રીતે રક્ષાસૂત્રનો ઉપયોગ કરી શકાય છે, જેથી ઘરમાં સુખ-શાંતિ છવાયેલી રહે છે. ઘરના મંદિરમાં તેમજ રસોડામાં પાણી ભરેલા પાત્ર પર પણ નાડાછડી બાંધી શકાય છે. જ્યારે પણ કાંડા પર નાડાછડી બાંધવાની હોય ત્યારે નીચે આપેલો મંત્ર અવશ્ય બોલવો.
મંત્ર
येन बद्धो बलीराजा दावेंद्रो महाबलः
तेन त्वामनुबध्नामि रक्षे माचल माचल