વિજય માલ્યાને દેશનો પ્રથમ ભાગેડુ આર્થિક ગુનેગાર ઘોષિત, જપ્ત થશે આખી સંપતિ
બેન્કોને અધધધ રૂપિયાનો ચૂનો લગાવીને ભાગી જનાર આરોપી વિજય માલ્યાને PMLA કોર્ટે ભાગેડુ જાહેર કરી દીધો છે. વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા ઈડીએ આ સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર કોર્ટે આજે સુનાવણી કરી છે. આમ PMLA કોર્ટના ચુકાદા પછી માલ્યા નવા કાયદા અર્તગત દેશનો પહેલો ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કોર્ટે આ ચુકાદાને 26 ડિસેમ્બરે 2018ના રોજ 5 જાન્યુ. 2019 સુધી સુરક્ષીત રાખ્યો હતો. માલ્યાએ PMLA કોર્ટમાં દલીલ કરી હતી કે તે ભાગેડુ ગુનેગાર નથી અને ન મનિલોન્ડરિંગ કેસમાં સામેલ છે. આ પહેલાં વિજય માલ્યાએ ડિસેમ્બર મહિનામાં તેને ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવાની ઈડી દ્વારા જે અરજી કરવામાં આવી હતી તેના ઉપર પણ રોક લગાવવા આગ્રહ કર્યો હતો પરંતુ કોર્ટે માલ્યાની આ અરજી ફગાવી દીધી હતી. હવે નિયમ પ્રમાણે સરકાર વિજય માલ્યાની સંપત્તિ પણ જપ્ત કરી શકશે.
ઉલ્લેખનીય છે કે ઈડીએ ગયા વર્ષે જુલાઈમાં પીએમએલએ કોર્ટમાં અરજી કરી હતી કે માલ્યાને નવા કાયદા અંર્તગત ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવે. તે સાથે જ માલ્યાની 12500 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરવાની મંજૂરી માંગી હતી. માલ્યાએ ઈડીની અરજી પર સુનાવણી ન કરવાની અરજી કરી હતી. પરંતુ કોર્ટે 30 ઓક્ટોબરે માલ્યાની અરજી નકારી કાઢી હતી. ઈડીની અરજી વિરુદ્ધ માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી પરંતુ ત્યાં પણ માલ્યાની અરજી નકારી દેવામાં આવી હતી.
પ્રત્યર્પણ પર નિર્ણય આવવાના 5 દિવસ પહેલાં માલ્યાએ ટ્વિટ કરીને ભારતીય બેન્ક અને સરકારને અપીલ કરી હતી કે તેઓ 100 ટકા ધિરાણ ચૂકવવા તૈયાર છે. તેનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવે. માલ્યાએ કહ્યું હતું કે, નેતા અને મીડિયા મારા ડિફોલ્ટર થવાની અને સરકારી બેન્કમાંથી લોન લઈને ભાગી જવાની વાતો જોર-શોરથી કરી રહ્યા છે. આ ખોટી વાત છે. મારી સાથે જ આવું વર્તન કરવામાં કેમ આવે છે? 2016માં જ્યારે મેં કર્ણાટક હાઈકોર્ટમાં સેટલમેન્ટની વાત કરી હતી ત્યારે તે વાતનો પ્રચાર કરવામાં કેમ ન આવ્યો.
લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ 10 ડિસેમ્બરે ચુકાદો આપી ચૂકી છે કે માલ્યાને ભારત પ્રત્યર્પિત કરી દેવામાં આવે. કોર્ટે આ કેસ બ્રિટિશ સરકારને મોકલી દીધો છે. ત્યાંની સરકાર કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ થાય તો તેઓ માલ્યાના પ્રત્યર્પણનો આદેશ જાહેર કરશે. આવું થશે તો માલ્યા પાસે 14 દિવસમાં હાઈકોર્ટમાં અરજી કરવાનો અધિકાર રહેશે.