વાઇબ્રન્ટ સમિટ: અંબાણી, અદાણી સહિતના મોટા બિઝનેસ ગ્રૂપોએ પહેલા દિવસે રૂ. 4 લાખ કરોડના રોકાણની કરી જાહેરાત
નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિત ૧૦૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ, રિલાયન્સના મૂકેશ અંબાણી, અદાણી જૂથના ગૌતમ અદાણી, ટાટાના ચંદ્રશેખરન કુમારમંગલમ બિરલા, સુધીર મહેતા સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમિટના પ્રથમ કલાકમાં જ રાજ્યમાં વિવિધ ઉદ્યોગગૃહો દ્વારા ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત કરાઇ હતી. ૧૧પ દેશના પ્રતિનિધિ આ સમિટમાં જોડાયા છે. જ્યારે ૧પ દેશ પાર્ટનર તરીકે જોડાયા છે. વડા પ્રધાન મોદી હજુ આવતી કાલ બપોરે સુધી ગુજરાતમાં રોકાવાના હોઇ તેમનું પ્રધાનમંત્રી કાર્યાલયના ટોચના અધિકારીઓ સહિતનું કાર્યાલય અહીં ઊભુ કરાયું છે. ગુજરાતમાં અને દેશમાં વિદેશી રોકાણ મોટા પ્રમાણમાં થાય તે માટે તેઓ આજે સાંજે સોવેરિન ફંડ, પેન્શનફંડ તેમજ ટોચની નાણાં સંસ્થાઓના વડાઓ સાથે સાંજે ગાલા ડિનર સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજશે. દરમ્યાન તેઓ દાંડિકુટર ખાતે થ્રીડી પ્રોજેકશન લેસર લાઇટ શોનું પણ ઉદ્ઘાટન કરશે. આજે પણ તેઓ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે.
વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની થીમ ન્યૂ ઇન્ડિયા પર રચાઇ છે. ગુજરાતથી જ નવા ભારતનું નિર્માણ થશે ગુજરાત આજે યજમાન નથી પરંતુ હાજર તમામ દેશના પ્રતિનિધિઓનું પાર્ટનર છે. તેમના વકતવ્યના અંતમાં તેમણે મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો પાંચ દેશના વડા તેમજ ટોચના તમામ ઉદ્યોગપતિઓ અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું.