વલસાડ: 31 ડિસેમ્બરે 600થી વધારે દારૂડીયા ઝડપાયા, પોલીસ સ્ટેશનમાં પીધેલાઓનો ઢગલો
ગત દિવસે 31 ડિસેમ્બરની લોકો ધામધૂમથી ઉજવણી કરી હતી. જ્યારે વલસાડ, પારડી, વાપી તેમજ ઉમરગામ તાલુકા મળી જિલ્લામાં એક મહિલા સહિત 600થી વધુ લોકો પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાયા હતા. જો કે આ અભિયાન ચાલુ રહેતા સોમવારે આંકડો હજુ વધી શકે છે. પકડાયેલા તમામને સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
રવિવારે રાત્રે દમણ તેમજ સેલવાસથી દારૂનો નશો કરી વલસાડમાં પ્રવેશતા લોકોની ધરપકડ કરાઇ હતી. જ્યારે પારડીમાં પાતલીયા ચેકપોસ્ટથી પ્રવેશતા લોકો નશામાં ઝડપાયા હતા. જ્યારે ઉમરગામ તાલુકામાં પણ પોલીસે નશામાં ઘણા લોકોની ધરપકડ કરી છે. આટલા બધા પીધેલાને રાખવા ક્યાં તે પોલીસ માટે મોટી સમસ્યા બની ગઈ હતી અને આ કારણે લોકઅપ હાઉસફુલ થઈ જતાં પીધેલાના પોલીસ સ્ટેશનમાં ઢગલા થયા હતા.
વાપી ટાઉન, જીઆઇડીસી અને ડુંગરા પોલીસે અલગ અલગ ચેકપોસ્ટ તેમજ બજારમાં દારૂના નશામાં ફરતા અને પીને વાહન ચલાવતા કુલ 60 લોકોને પકડી સળિયા પાછળ ધકેલી દીધા છે. દમણ પોલીસે પણ દારૂના નશામાં વાહન હંકારનાર સામે કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. દમણ પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત કે અન્ય કોઇ ઘટના ન બને એ માટે 31 મી ડિસેમ્બરની રાત્રીએ ડ્રન્ક એન્ડ ડ્રાઇવ કરનાર સામે કાર્યવાહી થશે.